કિશોરીઓ દ્વારા પોષણ સલાડ બનાવી નિદર્શન યોજાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ માસ અભિયાન અંતર્ગત કિશોરીઓ દ્વારા પોષણ સલાડ બનાવી નિદર્શન યોજાયું
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
૨૪ સપ્ટેમ્બર: સુરેન્દ્રનગર સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ માસ ઉજવણી અન્વયે સમાજની દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત રહે તે માટે પોષણક્ષમ આહાર કડીરૂપ છે તેમ સમજાવવાના હેતુસર આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરીઓ દ્વારા પોષણ સલાડ બનાવી તેનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરીઓએ બનાવેલ પોષણ સલાડના નિદર્શન બાદ લાભાર્થીઓના ઘરે જઈને પોષણયુક્ત સુખડીનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. તેમજ શરીરના વિકાસ, વૃદ્ધિ અને કામ કરવા માટે જરૂરી પોષણત્તત્વો પોષણ આહારમાંથી મળી રહે છે તેમ પણ સમજાવવામાં આવ્યું હતું.
પોષણ અભિયાન અંતર્ગત જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે તેમ વધુમાં જણાવાયું છે.