Hostel Fire

જામનગરની ગર્લ્સ હોસ્ટેલના એક રૂમમાં આગનું છમકલું થતા ભારે દોડધામ

  • જામનગરની જી.જી હોસ્પિટલમા કોવીડ બિલ્ડિંગની સામે જ આવેલી ગર્લ્સ હોસ્ટેલના એક રૂમમાં આગનું છમકલું થતા ભારે દોડધામ
  • ફાયર બ્રિગેડની ટીમે તુરત જ ઘટનાસ્થળે દોડી જઈ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી આગને કાબુમાં લીધી
  • તબીબી વિદ્યાર્થીનીઓ દ્વારા રૂમમાં ઈલેક્ટ્રીક ગીઝર ભૂલથી ચાલુ રાખી ને બહાર નીકળતાં શોર્ટ સર્કિટ પછી આગનું છમકલું થયું
  • લેડીઝ હોસ્ટેલમાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં ભારે અફડાતફડીનો માહોલ: હોસ્પિટલ તંત્રની દોડધામ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગરની જી.જી હોસપીટલ ના પરિસરમાં કોવિડ બિલ્ડિંગની સામે આવેલી લેડીઝ હોસ્ટેલના જ એક રૂમમાં આગજની ની ઘટનાથી ભારે દોડધામ થઇ હતી, તબીબી વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના રૂમમાં ભૂલથી ગેસ ગીઝર ની સ્વીચ ચાલુ રખાઇ જતાં સૉર્ટસર્કિટ થયા પછી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. સમયસર આગ કાબુ મા આવી હોવાથી વધુ નુકસાની અટકી હતી. કોવિડ હોસ્પિટલ ના બિલ્ડિંગના સામેના ભાગમાં આગજનીની ઘટનાથી સમગ્ર હોસ્પિટલ પરિસરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે જામનગર ના ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના નવા કોવિડ બિલ્ડિંગની સામે જ આવેલી જૂની લેડીઝ હોસ્ટેલના બીજા માળે ૨૦૩ નંબરના રૂમમાં સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થયું હતું. અને રૂમની બારીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.

Hostel Fire 3

આ ઘટના અંગેની જાણ થતા હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીએ તાબડતોબ હોસ્પિટલના તંત્રને તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે. એન.બિશ્નોય જી જી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને બે ફાયર ફાઇટરો ને પણ દોડાવ્યા હતા.
જી.જી.હોસ્પિટલ અને મેડીકલ કેમ્પસ પરિસરમાં લેડીઝ હોસ્ટેલના બિલ્ડિંગમાં બીજા માળે સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ત્યાર પછી રૂમનો દરવાજો ખોલાવી તેમાં પાણી નો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.

ફાયર બ્રિગેડ ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ત્યારે માત્ર એક લાકડાનું ટેબલ તેમજ કેટલો કપડા સહિતનો પરચુરણ માલસામાન સળગતો હતો, પરંતુ ફાયર ફાઈટરની જરૂર પડી ન હતી. અને સ્થાનિક જગ્યાએથી પાણી ડોલ વડે મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી. આગ સમયસર કાબૂમાં આવી જતા સમગ્ર તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. લેડીઝ હોસ્ટેલ ના રૂમ માં રહેતી બે વિદ્યાર્થીનીઓએ પોતાનો રૂમ બંધ કરીને કોવિડ બિલ્ડિંગમાં ફરજ પર ગઈ હતી તેમનાથી ભુલથી ગીઝર ની સ્વીચ ચાલુ રહી ગઈ હતી. જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું, અને આગનું છમકલું થયું હતું.

સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી અને કોઈ જાનહાનિ થઈ ન હોવાથી તમામ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. અને ફાયર ફાઈટરની ટુકડી પરત રવાના થઈ હતી. કોવિડ બિલ્ડિંગની સામે જ આ ઘટના બની હોવાથી હોસ્પિટલના વર્તુળમાં થોડા સમય માટે અફડા તફ્ડી સર્જાઈ હતી. પોલીસ તંત્ર પણ દોડીઆવ્યું હતું.