પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન માર્કેટિંગ ઇકો- સિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક મદદ કરવા અને ઝડપી કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છૂટછાટ સાથે ધિરાણનો પ્રવાહ, પીએમ-કિસાન લાભાર્થીઓ માટે વિશેષ કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો અને ખેડૂતોને તેમની ખેત ઉપજોનું સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અંદર અને આંતર રાજ્ય વ્યાપારની સુવિધા આપવી વગેરે કેટલાક મહત્વના ક્ષેત્રો આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો. ખેતીની નવી રીતો તૈયાર કરવા માટે દેશમાં એકસમાન કાનૂની માળખું તૈયાર કરવાની સંભાવનાઓ ચકાસવા અંગે પણ ચર્ચા થઇ હતી કારણ કે, આમ કરવાથી કૃષિલક્ષી અર્થતંત્રમાં મૂડી અને ટેકનોલોજી બંનેની આવક વધશે. પાકમાં બાયો-ટેકનોલોજીકલ વિકાસના નફા અને નુકસાન થવા ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. જમીન ભાડાપટ્ટા અધિનિયમના મોડેલ સંબંધિત પડકારો અને નાના તેમજ સીમાંત ખેડૂતોના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા થઇ હતી. વર્તમાન સમય સાથે સુસંગત આવશ્યક કોમોડિટી અધિનિયમ બનાવવો એ કેવી રીતે હાલના સમયમાં સુસંગતત છે તેની પણ ચર્ચા થઇ હતી, જેથી પોસ્ટ-પ્રોડક્શન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણને પ્રોત્સાહન આપી શકાય અને કોમોડિટી ડેરિવેટીવ બજારો પર પણ સકારાત્મક અસર પડે. કૃષિ કોમોડિટી નિકાસને વેગ આપવા માટે બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ, વિશેષ કોમોડિટીને અનુલક્ષીને બોર્ડ/ કાઉન્સિલનું ગઠન અને કૃષિ ક્લસ્ટરો/ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવા અન્ય કેટલાક હસ્તક્ષેપો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વોપરી મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં આપણા ખેડૂતો માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળ અનલૉક કરવાની સંભાવનાઓ છુપાયેલી છે. પ્રધાનમંત્રીએ છેવાડાની વ્યક્તિ સુધી ટેકનોલોજીનો પ્રસાર વધારવા પર અને આપણા ખેડૂતોને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કૃષિ અર્થતંત્રને ધબકતુ કરવા માટે, કૃષિ વ્યાપારમાં વધુ પારદર્શકતા લાવવા અને ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે FPOની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એકંદરે, ખેડૂતોને સારા બજાર ભાવો મળી રહે અને તેમને પસંદગીની તકો મળે તે માટે બજારનું નિયમન કરવા માટેના પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.