કોવિડ વિજય રથની યાત્રા પ્રજા માટે હિતકારી કર્તવ્ય કરી રહી છે
બહુજન હિતાયના ઉત્તમ ઉદાહરણને અનુસરીને કોવિડ વિજય રથની યાત્રા પ્રજા માટે હિતકારી કર્તવ્ય કરી રહી છે
આઠમા દિવસે કોવિડ વિજય રથની યાત્રાએ ગ્રામજનોને જાગૃકતાનો સંદેશ પૂરજોશમાં પૂરો પાડ્યો
14 SEP 2020 by PIB Ahmedabad
કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યમાં વર્તમાનમાં કોવિડ વિજય રથ અભિયાન ચાલી રહ્યું છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને દરેક રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કળા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આજે સતત આઠમાં દિવસે આ 5 રથ દૂર સુદુરના ગામોમાં ફરી રહ્યા છે.

આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમીયાણી ગામથી મેડિકલ સ્ટાફમાંથી આવેલ M. H. W. દુમાયાણીજીએ વિજય રથને લીલી ઝંડી આપી હતી. ગ્રામ સેવક તથા ગામના નાગરિકો હાજર રહ્યા હતાં. સમગ્ર દિવસ દરમિયાન રથે ડુમીયાણી ગામ, સુપેડી ગામ, નાની વાવડી ગામ, બીલેશ્વર મહાદેવ વગેરે વિસ્તારોમાં 60 કિલોમીટર ભ્રમણ કરીને ધોરાજી ખાતે રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ ભજન કીર્તન દ્વારા સ્થાનિક લોકોમાં પોષણ એટલે શું? પોષણનું મહત્વ તેમજ કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો.
આજે આઠમાં દિવસે અમદાવાદથી પ્રસ્થાન કરેલ કોવિડ વિજય રથ ભગવાન કૃષ્ણના ધામ ડાકોર મંદિરે પહોંચ્યો છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર બસ ડેપોથી ડેપો મેનેજર શ્રી જસાભાઈ પ્રજાપતિએ લીલી ઝંડી બતાવી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ડાકોરનું કાપડ બજાર, પટેલ નગર, મુળીયાદ ગામ, વણોતી ગામ, ચંદાસર ગામ, રખિયાલ ગામ વગેરે સ્થળોએ રથે ફરીને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ કોરોના વિનર શ્રી નિરંજન પટેલનું સન્માન પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકા પંચાયતની ઓફિસથી કોવિડ વિજય રથે આજની યાત્રા શરુ કરી હતી. તાલુકા વિકાસ અધિકારી તેમજ પંચાયતના કર્મચારીઓની હાજરીમાં રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે અને શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી પંડ્યા સાહેબે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રાધનપુર નગરપાલિકા વિસ્તાર તેમજ એ.પી.એમ.સી વગેરે વિસ્તારોમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રાધનપુર નગરપાલિકા વિસ્તાર, ગાયત્રી મંદિર, એ.પી.એમ.સી, બાસપા ગામ, વરાણા ગામમાં ફરી રથ પર સવાર કલાકારોએ પોષણના મહત્વની અને કોરોના જાગૃતિ સંદેશની સ્ટેન્ડી મૂકી લોકોને એના વિશે માહિતગાર કર્યા હતા.

આજે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાની રતનપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અક્ષય વસાવાએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન કરાડ, પોરા, અવિધા અને રાજપારડી ગામમાં ભ્રમણ કરીને કોરોના જાગૃતિ સંદેશ, મહિલા અને બાળ વિકાસને લગતી માહિતી જેવી કે કુપોષણ એટલે શું? પોષણની અનિવાર્યતા વગેરે વિશે તેમજ સરકારી યોજનાઓ અંગે લોકોને જાણકારી આપી હતી. લોક કલાકારોએ માસ્ક તેમજ રોગપ્રતિકારક વર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

આ 5 રથે સાંજે 4 વાગે જે સ્થાને રોકાણ કર્યું હતું, ત્યાંથી આવતીકાલ સવારે પ્રસ્થાન કરશે અને દૈનિક 60 કિલોમીટરની યાત્રા કરી અવિરત કોરોના જાગૃતિ સંદેશ જેમ કે માસ્ક કેમ પહેરવું જરૂરી છે, વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું વગેરે સાથે જ સરકારની વિવિધ પહેલ તેમજ મહિલાઓ અને બાળકોમાં યોગ્ય પોષણના મહત્વ વિશે નાગરિકોને માહિતગાર કરશે.