જામનગર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું
પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ માં સાત સ્વસહાય જુથો સાથે બેંકોએ એમ.ઓ.યુ કર્યા
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું આજ રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાતના ૧ લાખ લાયેબીલીટી એન્ડ અર્નીંગ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં એક ગ્રુપમાં ૧૦ બહેનો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાશે. આમ આ યોજના થકી ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીશ્રીએ આજે આ યોજનાનું ઇ-લોન્ચિંગ કર્યું હતું. જેમાં જામનગર ખાતે આ યોજનાના લોકાર્પણ પ્રસંગે શહેરમાં ૭ સ્વસહાય જુથની લોન મંજૂર થઈ કરવામાં આવી હતી, જેના માટે જામનગરની વિવિધ ક્રેડિટ સોસાયટીઓ- સહકારી બેંકો સાથે એમ.ઓ.યુ કર્યા હતા અને આ સાત સ્વસહાય જુથોને ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લોન મંજૂર અંગેના પત્રોની ફાઈલ સોંપવામાં આવી હતી.
આ ઇ-લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ સન્માનનીય અને પૂજનીય સ્થાન ધરાવે છે. હાલના સમયમાં આ સ્ત્રીઓ પુરુષ સમોવડી બનીને સત્તામાં, નોકરીમાં દરેક સ્થાને તે આગળ વધી છે. દેશના વિકાસમાં સ્ત્રીઓનું પણ પુરુષ જેટલું યોગદાન છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા અનેક બહેનોને આર્થિક ટેકો મળશે. અગાઉ બેંકમાં ખાતું ખોલાવવાની પણ અઘરી પ્રક્રિયા હતી ત્યારે આજે શૂન્ય બેલેન્સથી પણ બેન્ક એકાઉન્ટ ખૂલે છે. અનેક બહેનોની આત્મનિર્ભર થવાની નેમને સાકાર કરવા રાજ્ય સરકારે આ યોજના થકી ઝીરો ટકા વ્યાજથી આ જૂથોને એક લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવામાં બહેનોનું આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનવું પ્રથમ પગલું છે.

જામનગર ખાતેના આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ લાવી લોકોને સહાય રૂપ બની રહી છે. કોરોનાના કાળમાં આ લડાઈ જીતવા માટે સક્ષમ બનાવવાની આવશ્યકતા છે ત્યારે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત દરેક બહેનો આત્મનિર્ભર બનવા, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બનવા આ કોરોનાના કાળમાં પણ સંઘર્ષ કરી રહ્યા છે. આ યોજના થકી મહિલાઓએ પગભર થવાનો પ્રયાસ કરવાનો છે. મહિલાઓ સશક્ત બને પરિવારને સક્ષમ બનાવે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનવું જરૂરી છે. આ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના ઘરને, સમાજને આગળ વધારી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકશે તેમ પુર્વ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, દંડક જડીબેન સરવૈયા, કમિશનર સતીશ પટેલ, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, અન્ય કોર્પોરેટરઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.