જાણો,પોસ્ટમોર્ટમ પદ્ધતિની મહત્વની શસ્ત્રક્રિયાઃ ઓટોપ્સી વિશે..

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન – ઓટોપ્સી છે
અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૦ જાન્યુઆરી: એક વાર વર્ષો સુધી સરકારી દવાખાનામાં મૃતદેહોના મરણોત્તર તપાસની કામગીરી કરનારા એક મહિલા તબીબે કહ્યું હતું કે અમારી પાસે લાવવામાં આવતા દરેક મૃતદેહને કૈંક કહેવું હોય છે. મૃત્યુના કારણો ની લિપિ વાંચવાની અથવા મૃતદેહ જે કહેવા માંગે છે એ મુક વાણીને સાંભળવાની કળા એટલે પોસ્ટ મોર્ટમ જેને ગુજરાતીમાં મરણોત્તર તબીબી તપાસ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુ અપ્રિય કે અનિચ્છનીય ઘટના છે પરંતુ વિવિધ પ્રકારના અકસ્માતો કે શંકાસ્પદ સંજોગોમાં થયેલા મરણનું કારણ ઉજાગર કરવા આવું પી.એમ.જરૂરી છે.અને ઘણીવાર વિવાદાસ્પદ મરણના સંજોગોમાં એક કરતાં વધુ તબીબો દ્વારા પેનલ એટલે કે સામૂહિક પી.એમ.કે વિડિયોગ્રાફી હેઠળ આવી મરણોત્તર તપાસ ખાસ આદેશ હેઠળ કરવામાં આવે છે.કાયદા હેઠળ જેને માન્યતા આપવા માં આવી છે એવી આ તબીબી તપાસ મેડિકલ અને ફોરેન્સિક સાયન્સના શિક્ષણ નો અગત્યનો ભાગ છે.પોસ્ટ મોર્ટમ વિભાગ અને કોલ્ડ રૂમ સરકારી મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોય એવા સરકારી દવાખાનાઓમાં જ બહુધા હોય છે.
સયાજી હોસ્પિટલનો પોસ્ટ મોર્ટમ વિભાગ અને કોલ્ડ રૂમ મધ્ય ગુજરાતમાં સહુથી મોટો છે અને કોરોના કાળમાં ૧૫૦૦ સહિત ૨૦૨૦ ના વર્ષમાં ૨૦૦૦ જેટલા મૃતદેહો (નોન કોવીડ) ની મરણોત્તર તપાસ અહીં થઈ છે:ખાસ સંજોગોમાં ૭ થી ૮ જેટલી કોવીડ પોઝિટિવ બોડીનું પીપીઈ કીટ પહેરીને પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું આ પૈકી ૫૦૦ જેટલા પોસ્ટમોર્ટમ મેડિકો લીગલ હતાં
એ જાણી લો કે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલનો પોસ્ટ મોર્ટમ વિભાગ અને મૃતદેહ ની સાચવણી માટે જરૂરી શિત ખંડ એટલે કે કોલ્ડ રૂમ મધ્ય ગુજરાતમાં સહુ થી મોટો છે એવી જાણકારી આપતાં સયાજી કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે ૨૦૨૦ ના કોવીડ વર્ષમાં સંક્રમણના જોખમને લીધે તબીબી અને સર્જરી વિષયક ઘણી પ્રવૃત્તિઓ મર્યાદિત થઈ ગઈ ત્યારે પણ આ વિભાગ આખું વર્ષ સતત અને અવિરત કાર્યરત રહ્યો.
આ વિભાગના (પ્રા.) ડો. સુનિલ ભટ્ટના વડપણ હેઠળ (પ્રા.) ડો. બિજયસિંઘ રાઠોડ, ડો.પંકજ પ્રજાપતિ, ડો.પ્રતીક પટેલ અને બે દાયકા થી આ વિભાગમાં કાર્યરત જગદીશભાઈ અને સેવકોની સમર્પિત ટીમે કોરોના કાળમાં માર્ચ થી ડિસેમ્બર દરમિયાન ૧૫૦૦ જેટલા અને આખા વર્ષમાં અંદાજે ૨૦૦૦ જેટલા પોસ્ટ મોર્ટમ કર્યા જેમાં ૫૦૦ જેટલા વિશેષ આદેશ હેઠળના મેડિકો લીગલ પોસ્ટ મોર્ટમ હતાં.
બહુધા કોવીડ ગાઈડ લાઈન હેઠળ સંક્રમણનું જોખમ ટાળવા કોવીડ પોઝિટિવ મૃત્યુના કિસ્સામાં પી.એમ.કરવામાં આવ્યા ન હતાં.તેમ છતાં,વિશેષ કાયદાકીય જરૂરિયાતો અને બાધ્યતાને અનુલક્ષીને આ કર્મયોગી ટીમે પિપીઈ કીટ ધારણા કરી અને તમામ સાવચેતીઓ લઈને ૭ થી ૮ જેટલાં કોવીડ પોઝિટિવ મૃતદેહો ના પી.એમ.કર્યા .આ કાર્યનિષ્ઠા ધ્યાનમાં લેવાને યોગ્ય છે તેમ ડો.બેલીમ નું કહેવું છે.
ડો.બેલીમ જણાવે છે કે કોરોનાએ ઘણું બધું બદલ્યું એમાં પી.એમ.પણ બાકાત નથી.આ સાવ અજાણી અને સંક્રમણ ના જોખમ વાળી બીમારીને અનુલક્ષીને અને અનુભવોના આધારે મૃતદેહો ની મરણોત્તર તપાસની ગાઈડ લાઈનમાં સતત સુધારો કરવામાં આવ્યો છે.
કટોકટીના સંજોગોમાં દવાખાનામાં લાવવામાં આવે અને તરત મરણ થાય,પોલીસ કે સગાવહાલા દ્વારા લાવવામાં આવે ,અજાણી વ્યક્તિઓ દ્વારા લાવવામાં આવે તેવા મરણના કિસ્સામાં છેલ્લી સૂચનાઓ પ્રમાણે મૃતદેહનો કોવીડ ટેસ્ટ કરીને પોઝિટિવ કે નેગેટિવની ગાઈડ લાઇન અનુસરીને વિધિવત તેની સોંપણી કે વી.એમ.સી.સાથેના સંકલન અનુસાર દાહ સંસ્કાર કે દફન વિધિ કરવા માં આવી અને વિશેષ સંજોગોમાં પોઝિટિવ મૃતદેહો નું પી.એમ.પણ કરવામાં આવ્યું. સયાજી હોસ્પિટલના પી.એમ.વિભાગમાં કુલ ૩૬ કોલ્ડ રૂમમાં શિતાગાર ઉપલબ્ધ છે તે પૈકી કોરોના ને અનુલક્ષીને ૬ કોલ્ડ રૂમ તકેદારી માટે કોરોના પોઝિટિવ બોડી માટે અલાયદા ફાળવવામાં આવ્યા છે.

મેડિકો લીગલ પોસ્ટ મોર્ટમ મુખ્યત્વે ગુના શોધન ના ભાગરૂપે અગત્યના અને સચોટ પુરાવા મેળવવા કરવામાં આવે છે જેનો અહેવાલ અદાલતી કેસોમાં તારણો આધારિત સચોટ ન્યાય નિર્ણય લેવામાં અને વારસાઈ સહિત ના અન્ય વિવાદો ઉકેલવામાં ઉપયોગી નીવડે છે.૨૦૨૦ માં આવા ૫૦૦ જેટલા પી.એમ.આ વિભાગે કર્યાં છે. વાહન અકસ્માત,ગળે ફાંસો કે અન્ય રીતે આત્મઘાત ,ઝેર પીવાની , દાઝવાની, ડૂબી જવાની , વીજળીનો શોક લાગવાની ઘટનાઓમાં મરણનું કારણ દર્શાવતું પુરાવા આધારિત પ્રમાણપત્ર તૈયાર કરવામાં આ ખૂબ ઉપયોગી છે.ફોરેન્સિક સાયન્સના સ્નાતકો અને અનુસ્નાતકોના શિક્ષણમાં તેની આગવી ઉપયોગીતા છે.
જીવન જેટલી જ નક્કર વાસ્તવિકતા મૃત્યુ છે.ઉમદા સારવાર દ્વારા સયાજી હોસ્પિટલ દર વર્ષે અનેક રોગીઓને જીવનદાન આપે છે .તો તેનો પી.એમ.વિભાગ મૃત્યુ પછી આ અગત્યની ફરજ બજાવી મોતનો મલાજો જાળવીને જીવન કે સાથ ભી ઔર જીવન કે બાદ ભી ની ઉકિત સાર્થક કરે છે.