“ધર્મજ ડે” આયોજક સંસ્થા ધરોહર ફાઉન્ડેશન દ્વારા ધર્મજ ખાતે દેવદીવાળીથી કાયમી સેવાકેન્દ્રનો શુભારંભ.

આણંદ, ૦૧ ડિસેમ્બર: દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે છેલ્લા ૧૫ વર્ષથી ઉજવાતા “ધર્મજ ડે” દ્વારા પ્રગતિશીલ ગામ ધર્મજની ઓળખમાં એક નવુ જ પરિમાણ ઉમેરાયુ છે. આ પ્રસંગની ઉજવણી સાથે સાથે વર્ષ દરમ્યાન અનેક નાના મોટા કાર્યક્રમો પણ “ટીમ ધર્મજ” દ્વારાયોજાતા રહ્યા છે. સમયની માંગ અને અનુભવની એરણેથી નવા રસ્તા ખુલે તે ન્યાયે ગત વર્ષથી આ ઉજવણીને કાયદાકીય દાયરામાં આવરી લઇને આણંદ ચેરીટી કમીશ્નરશ્રીની કચેરી ખાતે “ધરોહર ફાઉન્ડેશન” નામથી ટ્રસ્ટ નોંધણી કરાવેલ. રોજબરોજ વધતી કામગીરીને ધ્યાનમાં લેતાં સંસ્થાના એક કાયમી કાર્યાલયની જરૂર હતી. જેના દ્વારા બહુવિધ સેવાઓ પણ ગામજનોને ઉપલબ્ધ કરાવી શકાય. ગત રોજ દેવદીવાળીના પવિત્ર દિવસથી સંસ્થાનું કાયમી કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે. કોરોના મહામારીના સંક્રમણકાળમાં જરૂરી સાવચેતીના ભાગરૂપે શરૂઆત ખુબ જ મર્યાદીત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. જેથી સરકારી સુચનાઓનો અમલ પણ થઇ શકેલ.

આ અંગે વધુ માહિતી આપતા નવરચીત ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ રાજેશ પટેલે જણાવેલ કે હાલ કોરોનાની સ્થિતિમાં કેટલાક મહીના સંસ્થાના સ્વંયસેવકો દ્વારા ગામમાં સર્વેની કામગીરી ચાલશે. જેના આધારે જરૂરી સેવાઓની પ્રાથમિકતા નક્કી કરી સેવા કાર્યો શરૂ કરવામાં આવશે. અન્ય સામાજિક સંસ્થાઓ સાથે ચાલતી પ્રવૃતિઓ ઉપરાંત સરકારની યોજનાઓ અંગે જન જાગૃતિ અને ટ્રસ્ટના વિવિધ હેતુઓને ધ્યાનમાં રાખી લોકોપયોગી કાર્યો કરવામાં આવશે. સોના માં સુંગધ ભળે અને શુભ કાર્ય કરનારનો ઉત્સાહ વધે તેવો અનુભવ પ્રથમ દિવસે જ થયો. એક ધર્મજીયને નામ નહીં આપવાની શરતે સદર કાર્યાલયનો મરમ્મત ખર્ચ, જગ્યાનુ એક વર્ષનુ ભાડુ તથા અન્ય ખર્ચ પેટે માતબર રકમનુ દાન આપી સૌનો ઉત્સાહ વધારેલ છે.
નવીન કાર્યાલય ખાતે રાજેશ પટેલના પ્રમુખસ્થાને મળેલ મળેલ ટ્રસ્ટીગણની બેઠકમાં મંત્રી અપુર્વ પટેલ, ખજાનચી રીતેશ પટેલ, ટ્રસ્ટીઓ પાયલ પટેલ તથા દર્શના પટેલ ઉપસ્થિત રહેલ. સક્રીય ટ્રસ્ટી સભ્ય હેમંત પટેલ હાલ અમેરિકા હોઇ ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવેલ. આ કાર્યમાં સેવાભાવથી જોડાયેલા સ્વંયસેવકો રાજુભાઇ પટેલ, દેવેન્દ્ર પટેલ, વિનોદ પટેલ તથા કાર્યાલય મંત્રી ડીકેશ પટેલ પણ ઉપસ્થિત રહેલ.
આ બેઠકમાં આગામી કામગીરીની રૂપરેખા ઘડવા સાથે તા. ૧૨મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યોજાનાર ૧૫મા ધર્મજ ડે ને વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં લેતા વર્ચ્યુઅલ સ્વરૂપે યોજવાની વિચારણા થયેલ છે. આમ ધરોહર ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ બહુવિધ સેવા કેન્દ્રની શરૂઆતથી ધર્મજ એક નવો જ ચીલો ચાતરવા જઇ રહ્યુ છે. જે અન્ય ગામોને પણ પ્રેરણાદાયી બનશે.