મારવાડી યુનિ.નો પદવીદાન સમારંભ, યુનિવર્સિટી એ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે: મુખ્યમંત્રીશ્રી

- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો મારવાડી યુનિ.નો પદવીદાન સમારંભ
- યુનિવર્સિટી એ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. વિજયભાઇ રૂપાણી
- યુનિવર્સિટી એ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે
- સમાજકલ્યાણની નીતિને વરેલી ભારતીય શિક્ષણ પ્રણાલિ વિશ્વમાં શ્રેષ્ઠ
- શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો રાજયની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સક્ષમ
- ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રનું વિતરણ
અહેવાલ: સોનલ ઉમરાણીયા, રાજકોટ
રાજકોટ, ૦૫ ડિસેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજયમાં કાર્યરત ૭૦ યુનિવર્સિટીઓ વિચારમંથન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે, જેના થકી ઉત્તમ ભવિષ્યનું નિર્માણ થઇ શકે છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આધુનિક ભારતની શિક્ષણપધ્ધતિની વિગતવાર છણાવટ કરી હતી અને સમાજકલ્યાણની નીતિને વરેલી ભારતીય શિક્ષણ પ્રણાલિને વિશ્વમાં શ્રેષ્ઠ સાબિત કરતી બાબતો ઉજાગર કરીને આ પધ્ધતિનું અનુસરણ કરવા છાત્રોને શીખ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના ઉભરતા વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા સેવતાં જણાવ્યું હતું કે, રાજયની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા આજની નવી પેઢીના છાત્રો પુરી રીતે સક્ષમ છે. અને આ માટે રાજયસરકાર તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરૂં પાડવા સદૈવ તત્પર છે. આ બાબતના અનુસંધાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ રાજયસરકાર અને કેન્દ્રસરકારની વિવિધ યોજનાઓની અછડતો ઉલ્લેખ પણ કર્યો હતો.
મારવાડી યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ડીગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. અને જીવનભર શીખતા રહેવાની વૃત્તિ કેળવવા અનુરોધ કર્યો હતો. ટેકનોલોજીના ક્ષેત્રે સતત અપડેશન જાળવવા અને રાજયસરકાર દ્વારા શરૂ કરવામાં આવતા નવા સ્ટાર્ટ અપ્સનો લાભ લઇ રાજયના વિકાસમાં સામેલ થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છાત્રોને પહેલ કરવા જણાવ્યું હતું

શિક્ષણ થકી મેળવેલ અનુભવ-સંસ્કાર-મૂલ્યો-નવા વિચારો વગેરેનું ભાથું જીવનભર સાથ દે છે, એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી પોતાના અભ્યાસકાળના સ્મરણો વાગોળતાં થોડા ભાવુક થયા હતા, અને ગુડ ગવર્નન્સ થકી ગ્રોથ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હબ બનેલા ગુજરાતમાં વિદેશોના વધુ ને વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે અને આપણી વિકાસયાત્રાનો ભાગ બને, તેવી કામના ઉચ્ચારી હતી.
મારવાડી યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયેલા ત્રીજા પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રીશ્રી વિજય ભાઇએ વિવિધ વિદ્યાશાખાના સુવર્ણચંદ્રક વિજેતાઓને ચંદ્રક એનાયત કર્યા હતા. આ પ્રસંગે ૧૪૦૦થી વધુ છાત્રોને ઓનલાઇન અને ઓફલાઇન ડીગ્રી પ્રમાણપત્ર વિતરિત કરાયા હતા. મારવાડી યુનિવર્સિટી ઇનોવેશન એન્ડ એન્કયુબેશન સેન્ટરનું મુખ્યમંત્રીશ્રીએ ‘‘આઇ ડીકલેર ધીસ સેન્ટર ઓપન’’ એમ બોલીને સ્પર્શમુકત ઉદઘાટન કર્યું હતું. મારવાડી યુનિવર્સિટીના સંચાલકોએ મુખ્યમંત્રીશ્રીને સ્મુતિચિહ્ન અર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના આગમન બાદ મારવાડી યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખા ઓના વડાઓ તેમની ફેકલ્ટીના બેનર સાથે સભાસ્થળે આવી પહોચ્યા હતા. પ્રાર્થનાથી કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો. મારવાડી યુનિ.ના પ્રેસિડેન્ટશ્રી કેતન મારવાડીએ પદવીદાન સમારંભને ખુલ્લો મુક્યો હતો. કુલપતિશ્રી યોગેશ કોસ્ટાએ સંસ્થાની પ્રવૃતિઓની વિગતવાર ગાથા- આલેખી હતી. ટેકનોલોજી, કોમર્સ,કોમ્યુટર,આર્કિટેકચર, અને કાયદાના ૧૪૦૦થી વધુ છાત્રોને આજે ઓન લાઇન અને ઓફલાઇન ડીગ્રી સર્ટી. એનાયત કરાયા હતા.
મારવાડી યુનિ.ના પ્રેસિડેન્ટશ્રી કેતન મારવાડીએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાના શુભારંભથી સંસ્થા સાથે સંકળાયેલા મુખ્યમંત્રીશ્રી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. અને સંસ્થાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં યુની.ના વાઇસ પ્રેસીડેન્ટ શ્રીજીતુભાઇ ચંદારાણા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશ મીરાણી, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ કલેક્ટરશ્રી રેમ્યા મોહન, મ્યુનિ.કમિ, શ્રી ઉદ્દિત અગ્રવાલ, અગ્રણીશ્રી રાજુભાઇ ધ્રુવ, યુનિના ટ્રસ્ટીઓ, રજિસ્ટ્રાર, ડીન, બિન શૈક્ષણીક સ્ટાફ, વાલીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.