લાલપુર નજીક જાખર ગામ ની નદી માં વધુ એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ

ફુલઝર ના કોઝવે વે પરથી પસાર થતા નદીમાં ના પ્રવાહમાં ગઈકાલે તણાઈ ગયા પછી શોધખોળ દરમિયાન આજે સવારે મૃતદેહ સાંપડયો
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૨ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામ માં આવેલી નદીના કોઝવે પરથી પસાર થઇ રહેલો એક યુવાન ગઇકાલે બપોરે નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. જેની શોધખોળ દરમિયાન આજે સવારે મૃતદેહ સાંપડયો છે. મેઘપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરમાં નિલકમલ સોસાયટીમાં રહેતો અને હાલ જાખર ગામ માં નોકરી અર્થે રહેવા માટે ગયેલો હરેશ રામભાઈ વારસાકિયા નામનો ૧૮ વર્ષનો યુવાન ગઇકાલે બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં જાખર ગામ માં આવેલી ફૂલઝર નદીના કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન તેનો પગ લપસી જતાં નદીના પ્રવાહમાં પડી ગયો હતો, અને તણાઈ જવાના કારણે લાપતા બન્યો હતો.

આ અંગે ની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી દ્વારા ગઈકાલ સાંજથી તેની શોધખોળ શરૂ કરાઈ હતી, પરંતુ મોડી રાત્રી સુધી તેનો કોઈ પત્તો મળ્યો ન હતો.
આજે સવારે ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે ની જાણ થવાથી મૃતકના પિતા રામભાઈ માવજીભાઈ વારસાકિયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને આ અંગેની જાણ કરવાથી મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતકના પિતા નું નિવેદન નોંધ્યું છે.

