અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો માટે વેબીનાર યોજાયો

કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી
અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના તબીબો સાથે વેબીનાર યોજાયો હતો. આ વેબિનારમાં કોરોના સારવાર પધ્ધતિ, હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, કોરોનાની હાલની સ્થિતિને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સિવિલના હોસ્પિટલના મેડીસિન વિભાગના ડૉ. બીપીન અમીન દ્વારા વિવિધ જિલ્લાઓના તબીબો સાથે સારવાર પધ્ધતિને લઈ વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. શ્રી અમીન દ્વારા જિલ્લાના તબીબોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કોરોનાને લઈને ભવિષ્યના આયોજનની વ્યુહરચના નક્કી કરવામાં આવી હતી.
વેબિનારમાં જિલ્લાના તબીબોના કોરોના કેસ થી જોડાયેલ પ્રશ્નો, મુંઝવણની ચર્ચા-વિચારણા કરી સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતુ.

જિલ્લાના તબીબો દ્વારા વેબીનારમાં જોડાયેલ અન્ય તબીબો સાથે સ્વાનુભાવોનું વર્ણન કરીને કોરોના ને લગતા કેસની સાફલ્યગાથાની ચર્ચા કરવામાં આવી હતી.

વેબીનારનું આયોજન સિવિલ હોસ્પિટલના ડૉ. બીપીન અમીન, યુ. એન. મહેતા હોસ્પિટલના ડૉ. આર. કે. પટેલ, તજજ્ઞ તબીબો ડૉ. અતુલ પટેલ, ડૉ.પાર્થિવ મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

આ વેબીનારમાં કોરોનાની સારવાર કરતા રાજ્યના જીલ્લાઓના ૩૭ સેન્ટરમાંથી ઝોનલ અધિકારીઓ, ખાનગી હોસ્પિટલના તબીબો, મેડિસિન, બાળરોગ વિભાગ જેવા અન્ય વિભાગના તબીબો જોડાયા હતા.
——XXXX—–XXXX——