Corona Patient 2 1 edited

સરકારી ખર્ચે દોઢ લાખના મોંઘા ઇન્જેક્શન અને દવાઓ આપી તેમને સાજા કરવામાં આવ્યા: સયાજી હોસ્પિટલ

Corona Patient 2 1 edited

ડાયાબિટીસ અને બીપી તો હતાં જ અને તેમાં ભળ્યો કોરોના: પરેશભાઈ મોદી સયાજી હોસ્પિટલમાં અશક્તિની હાલતમાં દાખલ થયાં હતાં:12 દિવસની કાળજી ભરી સારવારને અંતે હરતા ફરતા ઘેર ગયા

વડોદરા, ૨૩ ઓક્ટોબર: પરેશભાઈ મોદી શહેરના ફતેગંજ વિસ્તારમાં દૂધનો વ્યવસાય કરતા મધ્યમવર્ગના અદના આદમી છે.50 વર્ષની ઉંમરના પરેશભાઈ બીપી અને ડાયાબિટીસ ધરાવે છે.અને તેમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું.એટલે જોખમી પરિસ્થિત સર્જાઈ અને તેઓ શારીરિક અસહાય હાલતમાં સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ થયાં.

ઉંમર અને સહ રોગ જન્યતાને લીધે તેમની બીમારી વધી હતી.એટલે તેમને ઓકસીજન પર રાખવા પડ્યા.તેમની સ્થિતિ ગંભીર હતી. ફરજ પરના તબીબોએ સારવારના ભાગરૂપે તેમને રેમડેસિવિર અને ટોસી જેવા મોંઘા ઇન્જેક્શન આપ્યા.લગભગ રૂ.દોઢ લાખની કિંમતના તો ઇન્જેક્શન અને તે ઉપરાંતની દવાઓ જુદી.આ બધું જ સરકારી ખર્ચે આપીને નિષ્ણાત તબીબોની દેખરેખ અને નર્સિંગ સ્ટાફની કાળજી હેઠળ રાખી તેમની સઘન સારવાર કરવામાં આવી. આ તમામના પરિણામે તેઓની ગંભીર સ્થિત ક્રમશ: હળવી થતી ગઈ.તેની સાથે ભોજન,જ્યુસ,દૂધ ઇત્યાદિના સેવન થી શરીરમાં શક્તિનો સંચાર થયો. લગભગ 9 દિવસની સારવાર પછી ઓકસીજન આપવાની જરૂર ના રહી અને તેઓ વોર્ડમાં કોઈના ટેકા વગર સ્વતંત્ર રીતે હરતા ફરતાં થયાં.સયાજીમાં 12 દિવસની સારવારથી જાણે કે તેમને નવજીવન મળ્યું અને તેઓ હસતા ચહેરે ઘેર પાછા ફર્યા.

સયાજી હોસ્પિટલના કોવિડ સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી. એ જણાવ્યું કે ઉપર ઉલ્લેખ કર્યો છે તેવા બે પ્રકારના મોંઘા ઇન્જેક્શન ઉપરાંત વિવિધ પ્રકારની દવાઓ અને ઓકસીજનનો સારવારમાં વિનિયોગ કરવામાં આવતા ધારી સફળતા મળી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની સીધી સૂચનાથી આરોગ્ય વિભાગે સયાજી હોસ્પિટલના કોવિડ સારવાર વિભાગને સતત જરૂરી દવાઓનો પુરવઠો પૂરો પાડ્યો છે.

કોરોનાએ વિવિધ પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે જેનો કોઈ ચોક્કસ અકસીર ઈલાજ કે દવા હજુ શોધાઈ નથી.પરંતુ અનુભવ કુશળ તબીબોએ તેનો ઈલાજ લક્ષણો પ્રમાણે સારવાર દ્વારા કરવાની રીત અપનાવી છે.એટલે વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન,ટેસ્ટ, એક્ષરે, વેન્ટિલેટર કેરની જરૂર પડે છે.આઇસીયુ ના દરેક દર્દીને મેરેપેનમ ઇન્જેક્શન આપવામાં આવે છે.
આ ઉપરાંત ઘણાં દર્દીઓને પિપેરાસિલીન અને ટેઝોબેક્ટમ આપવાની જરૂર પડે છે.આર.ટી.પી. એ.જે ખૂબ જ કીમતી લાઇફ સેવિંગ ડ્રગ છે અને લોહી પાતળું કરવા માટે ખૂબ જૂજ સંજોગોમાં આપવાની જરૂર પડે છે.એનો તથા લોહી પાતળું કરવાના અન્ય ઔષધો નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સયાજી હોસ્પિટલમાં આ તમામનો સંકલિત વિનિયોગ કરી સારવાર આપવામાં આવી રહી છે.તેના પરિણામે પરેશભાઈ જેવા દર્દીઓને કોરોના મુક્ત કરવામાં સફળતા મળી રહી છે.
કોરોના મુક્તિની ખુશી અનુભવતા પરેશભાઈ એ જણાવ્યું કે મને અહી ઘર જેવું વાતાવરણ લાગ્યું છે અને સિસ્ટર તેમજ સ્ટાફ,બધાએ ખૂબ સહયોગ આપ્યો છે.ભોજન સહિત તમામ સારી સુવિધાઓ મળી છે.સમયસર સારવાર આપવામાં આવે છે.ખરેખર આ દવાખાનામાં ઘણી સારી સેવા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની સાથે આરોગ્ય વિભાગના કર્મયોગીઓ નો સંકલ્પ કોરોના પીડિતોની જીવન રક્ષા કરવાનો છે.સયાજી હોસ્પિટલનો કોરોના વિભાગ સેવાના મુદ્રા લેખ સાથે આ સંકલ્પની સિદ્ધિ માટે પરિશ્રમ કરી રહ્યો છે.

*****

loading…