ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યાઃ ૫૦ વખત પ્લાઝમા ડોનેટનો કર્યો સંકલ્પઃફૈઝલ ચુનારા
- ૧૧૭ કોરોનામુકત વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા
- ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ
- પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર રહેલા કોરોનામુક્ત સુરતીલાલાઓ
રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત
સુરત: મોગલો સામે યુધ્ધ લડવા મહારાણા પ્રતાપને પોતાનું સધળુ ઘન દાન કરનાર વીર ભામાશા આજે ઈતિહાસના પાને અમર છે. ત્યારે સૂરતની દાનવીર ભૂમિમાં એવાજ એક વીર ભામાશાએ કોરોનાને મ્હાત આપીને ત્રીજીવાર પોતાનું પ્લાઝમા ડોનેટ કરી ૫૦ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે. યુવાધન માટે ફૈઝલ ચુનારા આજે પ્રેરક બન્યા છે. સુરતની ભુમિના અનેક ઈતિહાસો સોનેરી પાંદડે લખાયા છે. પ્લેગ, મરકી, લેપ્ટોસ્પાયરોસીસ જેવી મહામારીમાંથી અનેક વીર ભામાશા યૌધ્ધાઓ થકી ઉગરી છે. કોરોના મહામારીને નાથવા પણ ચોક્કસ સફળતા મળશે.
સૂરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી કોરોના મુકત ૧૧૭ વ્યકિતઓએ પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ પ્લાઝમા થકી ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર શકય બની છે. જે પૈકી નવી સિવિલ માં ૫૬ ડોનરો થકી ૮૭ દર્દીઓની જયારે સ્મિમેર હોસ્પિટલમાં ૬૧ ડોનરો થકી ૭૫ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલમાં ડોનેટ થયેલા ૯૬ પ્લાઝમાનો ઉપયોગ ખાનગી તથા સ્મીમેર હોસ્પિટલના દર્દીઓને માટે કરવામાં આવે છે. જેમાં સ્મીમેરના ૧૧ દર્દીઓ પ્લાઝમા થકી સાજા થયા જયારે ૨૦ દર્દીઓની સ્થિતિ સુધારા જનક છે. અન્ય ખાનગી હોસ્પિટલને પણ પ્લાઝમા આપવામાં આવે છે.
પ્લાઝમા ડોનેટ કરવા ખાસ ફરજ પરના અધિકારીશ્રી મિલિંદ તોરવણે, તબીબી અધિક્ષક, મેડીકલ કોલેજના ડીનશ્રી બ્રહ્મભટ્ટના નિયમિત માર્ગદર્શન હેઠળ સિવિલના ડોકટરોની ટીમ કોરોનામુકત દર્દીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના નોડલ અધિકારી પુનિત નૈયર પણ ખડેપગે સેવા આપી રહ્યા છે.
કોરોનામુક્ત થઈ અગાઉ બે વાર પ્લાઝમા ડોનેટ કરી ચૂકેલાં ફૈઝલ ચુનારાએ આજે નવી સિવિલ ખાતે ત્રીજી વાર પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોને પ્રેરણા આપી છે. શ્રી ફૈઝલ ચુનારાએ જણાવ્યું હતું કે, ‘૧૯ માર્ચના રોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં ૧૩ દિવસ સુધી ડોક્ટરોની ઉમદા સારવારના કારણે તા. ૦૨ એપ્રિલના રોજ મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, ત્યારે જ કોરોના સામે વિજયી થતાં મેં સંકલ્પ લઈ લીધો હતો કે, ‘મને કોરોનામાંથી ઉગારનાર સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને મારી જયારે પણ જરૂર પડશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ. ત્યારબાદ મારી સારવાર કરનાર ડોક્ટરની સલાહથી પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરી સિવિલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, અને અત્યાર સુધીમાં ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી ૦૬ કોરોના પોઝિટિવ દર્દીને કોરોનાથી મુકત થવા સહભાગી બન્યો છું. હું સિવિલ હોસ્પિટલનો ઋણી છું. જેથી નવી સિવિલને જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું મદદ માટે હંમેશા તૈયાર છું. ફૈઝલે કોરોનામુકત દર્દીઓને અપીલ કરતાં કહ્યું કે પ્લાઝમા ડોનેટ કરી અન્ય કોરોના પોઝિટિવ દર્દીને મહામારીથી બચાવવાંનો આ યોગ્ય સમય છે. ત્રીજી વાર પ્લાઝમા ડોનેટ કરી રહેલા ફૈઝલ ચુનારાએ ૫૦ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

સિવિલની બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો.મયુર જરગ જણાવે છે કે, અદ્યત્તન મશીન મારફતે કોવિડના સ્વસ્થ થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. સિવિલમાં સારવાર લઈ કોરોના મુકત થયેલા ૫૬ નાગરિકોએ પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા છે. જેના થકી ૮૭ કોરોના પોઝિટિવ દર્દીને પ્લાઝમાની સારવાર આપવામાં આવી છે. જેમાં અગ્રેસર રહેલા ફૈઝલ ચુનારાએ ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરી સુરતવાસીઓ માટે અનુકરણીય પહેલ કરી છે.
નવી સિવિલની બ્લડબેંકમાં પ્લાઝમા ડોનેશન માટે જહેમત ઉઠાવી રહેલાં ડો.મયુર જરગ, ડો.જિતેન્દ્ર પટેલ અને ડો. સંગીતા વાધવાણી તેમજ બ્લડબેંકનાં અન્ય સ્ટાફની અથાગ મહેનતથી પ્લાઝમા ડોનેટ કરવા કોરોનામુક્ત વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે.
************