રિલાયન્સ અને બીપી ‘જિયો-બીપી’ ભાગીદારીની શરૂઆત કરે છે

નવા ઇન્ડિયન ફ્યૂઅલ્સ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચરે કામકાજની શરૂઆત કરી
બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા આજે નવા ઇન્ડિયન ફ્યૂઅલ્સ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચર, રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 2019માં પ્રારંભિક સમજૂતી બાદ બીપી અને RILની ટીમોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પડકારજનક વાતાવરણમાં આ જોડાણને પાર પાડવા માટે સાથે મળી કર્યું અને આગોતરા આયોજન મુજબ તેને પૂર્ણ પણ કર્યું છે. બીપીએ આ સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો મેળવવા માટે RILને એક બિલિયન અમેરિકી ડોલર ચુકવ્યા છે, જેમાં RILનો હિસ્સો 51 ટકા છે.
“જિયો-બીપી” બ્રાન્ડ હેઠળ કાર્યરત આ સંયુક્ત સાહસ ભારતના ફ્યૂઅલ્સ અને મોબિલિટી માર્કેટમાં અગ્રણી હિસ્સેદાર બનવાનો હેતુ રાખે છે. આ જોડાણને 21 રાજ્યોમાં રિલાયન્સની હાજરી અને તેના લાખો ગ્રાહકોનો જિયો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાભ મળશે. ઉચ્ચ ગુણવત્તાના સૌથી અલગ પ્રકારના ફ્યૂઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, રિટેલ અને એડ્વાન્સ લો કાર્બન મોબિલિટી સોલ્યૂશન્સમાં બીપીનો વ્યાપક વૈશ્વિક અનુભવ પણ અહીં કામ લાગશે.
બીપી અને RIL ઇચ્છે છે કે, ભારતની ઝડપથી વધી રહેલી એનર્જી અને મોબિલિટીની માગને પહોંચી વળવામાં આ જોડાણ ઝડપથી વિકાસ પામશે. આવનારા 20 વર્ષો દરમિયાન ભારત વિશ્વનું સૌથી મોટું ફ્યૂઅલ માર્કેટ બની જશે તેવી ધારણા છે, આ સમયગાળા દરમિયાન ભારતમાં પેસેન્જર કારની સંખ્યા છ ગણી વધશે. આગામી પાંચ વર્ષમાં RBML તેના ફ્યૂઅલ રિટેલિંગ નેટવર્કને 1400 રિટેલ સાઇટ્સથી વધારીને 5500 સુધી પહોંચાડવા ધારે છે. આ ઝડપી વૃદ્ધિ માટે તેના સર્વિસ સ્ટેશનો પર કર્મચારીઓની સંખ્યા ચાર ગણી વધશે, જે આ સમયગાળા દરમિયાન 20,000થી વધીને 80,000 થશે. આગામી વર્ષોમાં આ સંયુક્ત સાહસ તેની હાજરી દેશના 30 એરપોર્ટ્સથી વધારીને 45 સુધી લઈ જશે.
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “રિટેલ અને એવિયેશન ફ્યૂઅલ્સમાં તેની હાજરી સમગ્ર ભારતમાં વધારવા માટે રિલાયન્સ તેની મજબૂત અને મૂલ્ય આધારિત ભાગીદારીને વિસ્તારી રહ્યું છે. ભારતીય ગ્રાહકો માટે સ્વચ્છ અને પોસાય તેવા ઇંધણનો વિકલ્પ લાવીને RBML મોબિલિટી અને લો કાર્બન સોલ્યૂશનમાં અગ્રણી બનવા ઇચ્છે છે, જેમાં ડિજિટલ અને ટેક્નોલોજી ચાવીરૂપ પરિબળો બની રહેશે.”
બીપીના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ લૂનીએ કહ્યું હતું કે “ડિજિટલ ટેક્નોલોજી, વેલ્યૂ એન્જિનિયરિંગ અને નવા એનર્જી સોલ્યૂશન્સમાં ભારત અગ્રણી બનવાના માર્ગે જઈ રહ્યું છે. આ દેશને તેના આર્થિક વિકાસ માટે વધુ ઊર્જાની જરૂર છે અને જેમ જેમ તે વિકસશે તેમ તેમ તેને મોબિલિટી અને સરળ વાહન વ્યવહારની જરૂર પડશે. ભારતમાં એક સદીથી બીપી તેની હાજરી ધરાવે છે. ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ સાથે વ્યુહાત્મક ભાગીદારી કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ અને છેલ્લા દાયકામાં આ ભાગીદારીમાં થયેલો નક્કર અને જુસ્સાભેર વધારો અમારા માટે સંતોષકારક બની રહ્યો છે. અમારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇંધણ અને સેવાઓના અનુભવ રિલાયન્સની ડિજિટલ ક્ષમતાઓ, ટેક્નિકલ કુશળતા અને પહોંચના પૂરક બની રહેશે. ભારતીય ગ્રાહકોને સેવા આપવાના અમારા સમાન હેતુમાં આજની જાહેરાત વધુ એક સીમાચિન્હ છે. આ નવું જોડાણ ઝડપથી વૃદ્ધિ પામતાં અને અગ્રણી બિઝનેસ બનવા માટે અનોખી તક પુરવાર થશે જે ભારતની માગને પૂરી કરવામાં મદદરૂપ બનશે અને ભવિષ્યના નવા ડિજિટલ અને લો કાર્બન વિકલ્પને તૈયાર કરશે.”
આ નવું સંયુક્ત સાહસ ભારતીય ગ્રાહકોને ઓછો ધુમાડો કાઢે તેવા એડ્વાન્સ ફ્યૂઅલ પૂરા પાડશે, ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરશે અને કાર્બન ઉત્સર્જન ઓછું થાય તેવા વિકલ્પો પણ સમયાંતરે પૂરા પાડશે. RBML તેના પોતાના ઓપરેશન્સ અને વિશાળ સ્તરે પથરાયેલી તેની ઇકોસિસ્ટમને કાર્બન ઉત્સર્જનમાંથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
RBML દ્વારા ફ્યૂઅલ ટ્રાન્સપોર્ટેશન માટેની વિવિધ વૈધાનિક અને કાયદાકીય મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. આ સંયુક્ત સાહસ તેના પ્રવર્તમાન રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ અને કેસ્ટ્રોલ લ્યુબ્રિકન્ટ્સનું વેચાણ તાત્કાલિક અસરથી શરૂ કરી દેશે, જેને “જિયો-બીપી” તરીકે રિબ્રાન્ડ કરવામાં આવશે.