પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ
કેન્દ્ર સરકારનું વધુ એક સરાહનીય પગલું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ
રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ ગરીબોને અપાશે વિના મૂલ્યે અનાજ, સરકારના નિર્ણયને આનંદ સાથે આવકારી રહ્યાં છે દેશવાસીઓ
07 JUL 2020 by PIB Ahmedabad
કોરોના સંકટની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્ચાણ યોજના હેઠળ દેશના તમામ વર્ગના લોકોને લાભકારી વિભિન્ન યોજનાઓ અમલમાં મૂકી છે. લોકડાઉનના સમયમાં દેશના ગરીબવર્ગના પરિવારજનો ભૂખ્યા ન રહે તે માટે સંવેદનશીલ નિર્ણય લઇ આ યોજના હેઠળ અન્ન યોજના અમલમાં મૂકવામાં આવી . જેના અંતર્ગત દેશના 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ ગરીબોને ત્રણ મહિનાનું રાશન એટલે કે પરિવારના વ્યક્તિદીઠ 5 કીલો ઘઉં કે ચોખા મફત આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત પરિવાર દીઠ 1 કીલો દાળ કે ચણા પણ મફત આપવામાં આવ્યાં હતાં. જેનાથી આવા ગરીબ પરિવારજનોના ઘરમાં ચૂલો સળગ્યો હતો. લોકડાઉન પૂરુ થયાં બાદ હવે દેશમાં અનલોકનો સમયગાળો ચાલુ છે ત્યારે પણ પ્રધાનમંત્રીશ્રીએ આ યોજનાને લઇને વધુ એક જાહેરાત કરી છે.

આવનાર પાંચ મહિના સુધી એટલે કે નવેમ્બર મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આવનાર પાંચ મહિનામાં કુલ રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી વધુ NFSA રેશનકાર્ડ ધરવાવતાં ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરિત કરવામાં આવશે. આ સાથે આ અન્ન યોજનાનો કુલ ખર્ચ દોઢ લાખ કરોડથી વધુનો થશે. આ અન્ન યોજનામાં એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજનાનું અમલીકરણ પણ શરુ કરી દેવાયું છે. જેમાં દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જોડાઇ ચૂક્યાં છે. જેનાથી પોતાની રોજગારી કે અન્ય કોઇ જરૂરિયાત માટે પોતાનું ગામ છોડીને અન્ય ગામ કે રાજયમાં જતાં ગરીબ અને શ્રમિકવર્ગને તેમનો લાભ જતો નહી કરવો પડે. તે જે ગામમાં હશે તે ગામમાંથી જ અન્ન યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકશે.

ગુજરાતની વાત કરીએ તો પાછલા ત્રણ મહિનામાં એટલે કે એપ્રિલ, મે અને જૂન માસમાં નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ આવતાં 3.23 કરોડ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.

જેમને આવનાર પાંચ મહિનામાં પણ ફરીથી આ અન્ન યોજનાનો લાભ પ્રાપ્ત થશે. જેનાથી આ પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી છે. દેશભરના લોકો સરકારના આ નિર્ણયને આનંદ સાથે આવકારી રહ્યાં છે. ત્યારે ભાવનગર જિલ્લાના ભાવનગરના પાનવાડી વિસ્તારમાં રહેતા આસ્થાબેને અમારા પીઆઈબીના પ્રતિનિધીને જણાવ્યું હતું કે અન્ન યોજના હેઠળ પાછલા ત્રણ મહિનામાં તેમને વિનામૂલ્યે અનાજ મળ્યું છે. અને હવે પ્રધાનમંત્રીશ્રીએ કરેલી જાહેરાત મૂજબ આવનાર પાંચ મહિના સુધી ફરીથી અન્ન યોજનાનો લાભ મળવાનો છે તે જાણીને હું અને મારો પરિવાર ખૂબ ખૂશીની લાગણી અનુભવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બદલ હું ખૂબખૂબ આભાર વ્યક્ત કરું છું.

ભાવનગરના વિદ્યાનગર ગાંધી કોલોની ખાતે રહેતા લાલજીભાઇ પરમારે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે કેન્દ્ર સરકારની અન્ન યોજના હેઠળ મને અને મારા જેવા ઘણા જરૂરિયાતમંદ લોકોને અત્યાર સુધી સારી ગુણવત્તાવાળુ અનાજ વિનામૂલ્યે પ્રાપ્ત થયું છે. આ સહાય માટે અમે સરકારના આભારી છીએ. સરકારે અમારા જેવા કરોડો લોકોના ભોજનની ચિંતા કરીને અન્ન યોજનાનું વિસ્તરણ નવેમ્બર મહિના સુધી કર્યું છે. જે અમારા માટે રાહતના સમાચાર છે. સરકારના આ નિર્ણય બદલ અમે તેનો આભાર માનીયે તેટલો ઓછો છે.

ભાવનગરના વિદ્યાનગર ખાતે રહેતા નરેશકુમાર જાદવે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરુ કરી તે કેન્દ્ર સરકારનો ખૂબ સારો નિર્ણય હતો. જેનો લાભ મને પાછલા ત્રણ મહિનામાં ખૂબ સારી રીતે પ્રાપ્ત થયો છે. અને હવે આ યોજનાને વધુ પાંચ મહિનાસુધી લંબાવામાં આવી છે. તે જાણીને ઘણો આનંદ થયો છે. જે માટે સરકારના આ નિર્ણયની સરાહના સાથે સરકારનો આભાર વ્યક્ત કરું છું.
લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી સરકારે શરુ કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હઠળની અન્ન યોજનાની ખૂબ સરાહના કરવામાં આવી છે. ત્યારે આવનાર પાંચ મહિના સુધી આ યોજનાનું વિસ્તરણ એ વર્તંમાન કેન્દ્ર સરકારની ગરીબવર્ગ માટેની સંવેદનશીલતાને પ્રદર્શીત કરે છે. જેનાથી દેશનો આ વર્ગ રાહત સાથે આનંદની લાગણી અનુભવી રહ્યો છે.