Bharuch collector

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

ભરૂચ,કલેક્ટર ડો. એમ.ડી. મોડીયા
  • ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર-નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે
  • ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર
  • પૂર અસરગ્રસ્ત ગામોમા ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામા આવશે-કલેક્ટર ડો. એમ.ડી. મોડીયા
  • સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન સજ્જ: NDRF ની બે ટીમ તૈનાત
  • ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી 32.86 ફુટ નોંધાઈ

૩૧ ઓગસ્ટ,ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડીયાએ જણાવ્યુ કે, ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમા છોડવામા આવી રહ્યુ છે. જેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી 32.86 ફૂટ નોંધાઈ છે. ભરૂચ જિલ્લામા ભરૂચ અને અંકલેશ્વરમા તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમ તેમણે ઉમેર્યું હતુ.

ડો. મોડીયાએ જણાવ્યુ કે, નર્મદા નદીમા પૂરના કારણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝઘડીયા અને ભરૂચ તાલુકાના 30 જેટલા નીચાણવાળા ગામોમાં પૂરના પાણીની અસર થઈ છે. જિલ્લા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમા આશરે 4900 જેટલા લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવ્યુ છે. ડો. મોડીયાએ ઉમેર્યુ કે, પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. એટલુ જ નહી પૂર અસરગ્રસ્ત ગામોમા જિલ્લા કક્ષાના અધિકારીઓ સતત પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. ડો. મોડીયાએ જણાવ્યુ કે, સ્થળાંતર કરવામા આવેલા લોકોને ભોજન સહિત આરોગ્ય સેવાઓ જિલ્લા પ્રશાસન દ્વારા પૂરી પાડવામા આવી રહી છે

ભરૂચ શહેરના નીચાણવાળા પાંચ જેટલા વિસ્તારોમા પૂરની અસર થઈ છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ વિસ્તારોમા અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. ડો. મોડિયાએ ઉમેર્યું કે, પૂર અસરગ્રસ્ત ગામોમા ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામા આવશે. નુકસાનીના સર્વેના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામા આવશે. તેમ તેમણે ઉમેર્યું હતુ. ડો. મોડીયાએ ગોલ્ડન બ્રીજ ખાતે હાલમા નર્મદાની સપાટી 32.86 ફુટ નોંધાઈ છે. પરંતુ પાણીની આવક વધે તો સંબંધિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સજ્જ હોવાનુ જણાવ્યુ હતુ.


ડો. મોડીયાએ ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના નાગરિકોને સલામતીના ભાગરૂપે નદી કિનારે ન અને નીચાણવાળા વિસ્તારોમા ન જવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.