Agro meet

એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકાય

Agro meet
  • પલસાણા તાલુકાના કડોદરા ખાતે સામાજિક વનીકરણ ઔદ્યોગિક મીટ-૨૦૨૦ યોજાઈ
  • એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
  • ખેડુતો શેઢા પાળા, ખરાબાની જમીન પર વૃક્ષોના વાવેતર દ્વારા પુરક આવક મેળવી શકે છેઃ

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૯ ઓક્ટોબર: સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ વર્તુળના ઉપક્રમે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા સ્થિત કચ્છ પાટીદાર ભવન ખાતે ડો. શશિકુમાર (IFS)ની ઉપસ્થિતિમાં ‘સામાજિક વનીકરણ ઔદ્યોગિક મીટ-૨૦૨૦’ યોજાઈ હતી. આ શિબિરમાં લાકડાં અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝના ૧૮, વુડન ઉદ્યોગના ૩૪ પ્રતિનિધિઓ અને ૮૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતો અને લાકડાંના વ્યાપારીઓને પ્લેટફોર્મ આપવાના આશયથી આયોજિત આ શિબિરમાં એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

whatsapp banner 1

આ પ્રસંગે ડો. શશિકુમારે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના સામૂહિક પ્રયાસોથી ખેડૂતોની આવક બમણી થાય એવા પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે વૃક્ષારોપણની પ્રવૃત્તિને વધુ વેગ મળે અને ખેડૂતો નેશનલ સબ એગ્રો ફોરેસ્ટ્રી યોજના યોજના હેઠળ નર્સરી ઉછેર, કિંમતી લાકડાં આપતાં સાગ, સીસમ, મહુડો, ચંદન,મલબારી લીમડા જેવા કિંમતી અને વુડન ઉદ્યોગોમાં ઉપયોગી બનતા વૃક્ષો ઉછેરી તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી શકે છે. સામાજિક વનીકરણ વિભાગ આવા ખેડૂતો અને વુડન ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સેતુરૂપ બનવાનું કાર્ય કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગોની જરૂરિયાત અનુસારના લાકડાં આપતાં વૃક્ષો ઉછેરી તેનું સીધું વેચાણ લાકડાના વેપારીઓને કરવામાં પ્રોત્સાહક ભુમિકા અદા કરી રહ્યું છે.

Advertisement
Agro meet 2

તેમણે વધુમાં કહ્યું કે, એગ્રો ફોરેસ્ટ્રી યોજના પ્રતિ રોપા દીઠ રૂ. ૬ ના રાહત દરે સબસીડી સહાય આપી રોપાની ખરીદી કરવાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ વાવેતર કરવા જોઈતા રોપા વનવિભાગ અથવા પ્રાઈવેટ નર્સરીમાંથી મેળવી શકાશે. જેનો લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સુરતના નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશભાઈ પડાલીયા, નવસારી કૃષિ યુનિ.ના ટીંબડીયા, પલસાણાના આર.એફ.ઓ.શ્રી ભાવેશ રાદડિયા, લાકડાના વેપારીઓ, ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, હોર્ટીકલ્ચર, સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા