ભુલકાંઓની પાલનહાર બનતી “પાલક માતા-પિતા યોજના”

CM Rupani 1709 edited
  • ભુલકાંઓની પાલનહાર બનતી “પાલક માતા-પિતા યોજના”
  • રાજકોટ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૫૩૩ બાળકોના વાલીઓને રૂ. ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવાઈ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

 રાજકોટ, ૦૬ નવેમ્બર: બાળકના ઉજ્જવળ અને સુંદર ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા અનેક લોકોપયોગી યોજનાઓ અમલી છે. જેમાંની એક યોજના એટલે “પાલક માતા-પિતા યોજના.” સમાજમાં જે  બાળકના વાલી મૃત્યુ પામ્યા હોય, પિતાનું અવસાન થયેલ હોય અથવા માતાએ પુન:લગ્ન કર્યા હોય તેવા બાળકો શ્રેષ્ઠ જીવન જીવી શકે તે માટે ૦ થી ૧૮ વર્ષની વયજુથના બાળકોના પાલક માતા-પિતાને માસિક રૂપિયા ૩ હજારની સહાય ચુકવવામાં આવે છે.

  આ યોજનાના લાભાર્થી અંગે વાત કરતાં રાજકોટ જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસે જણાવ્યું હતું કે, જે બાળકોના માતાનું મૃત્યુ થયું હોય અને પિતાએ બીજા લગ્ન કર્યા હોય અથવા તો પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કર્યા હોય તેવા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ અર્થે તેમના પાલક માતાપિતાને આ યોજના અંતર્ગત માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.

whatsapp banner 1

 રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં સપ્ટેમ્બર માસ અંતિત ૫૩૩ બાળકોના પાલક માતા-પિતા આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જે અન્વયે એપ્રિલ થી સપ્ટેમ્બર માસ સુધીમાં આ ૫૩૩ લાભાર્થીઓને DBT મારફત રૂપિયા ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવવામાં આવી છે. તેમજ વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૬ નવી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૧૪૨ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.

 નોંધનીય છે કે, જે કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેઓ વધુ જાણકારી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી બહુમાળી ભવન, ચોથો માળ, બ્લોક નંબર – ૫, રાજકોટ ફોન નં – ૦૨૮૧-૨૪૫૮૫૯૦ પર સંપર્ક કરી શકે છે.