સ.સં. ૧૨૪૨ સ.સં. ૧૨૪૨ કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા 2

કોરોનાના કહેર વચ્ચે શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષક

કોરોનાના કહેર વચ્ચે  આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી વિદ્યાર્થીઓમાં શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા

રિપોર્ટ:પ્રિયંકા પરમાર

રાજકોટ,૨૦ ઓગસ્ટ:વ્યક્તિના મુલ્યનિષ્ઠ જીવન નિર્માણના પાયામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે નાનું બીજ ટાઢ, તાપ અને વરસાદ સહન કરીને વટવૃક્ષ થઈને લોકોને અનેક રીતે ઉપયોગી થતું હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થીકાળમાં શિક્ષકો દ્વારા મળેલી સાચી સમજ અને શિક્ષાનો સદ્ઉપયોગ કરીને વૃક્ષની જેમ વ્યક્તિ પણ સુંદર સમાજના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે છે. આવી જ ઉદાત્ત ભાવના સાથે શિક્ષણને રોજગારી નહીં, પણ સમાજસેવા તરીકે અપનાવી વિદ્યાર્થીઓનું નૈતિક મુલ્યો સાથે ઘડતર કરીને શિક્ષણ આપનાર શિક્ષક એટલે નલીનભાઈ સાકરીયા.

સ.સં. ૧૨૪૨ સ.સં. ૧૨૪૨ કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા 2

        વર્ષ ૨૦૧૯-૨૦માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર નલીનભાઈ સાકરીયા છેલ્લા ૭ વર્ષથી રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના નવી મેંગણી તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમના કર્મશીલ પ્રયાસોએ લોકડાઉન અને લોકડાઉન બાદના સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દિપને પ્રગટાવી રાખ્યો છે. શિક્ષકશ્રી સાકરીયાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “જ્યારે કોરોના વાયરસને કારણે શાળાઓના દરવાજા બંધ થયા ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત થઈ. પરંતુ થોડા સમયમાં અનુભવાયું કે શિક્ષક સાથે આત્મીયતાથી જોડાયેલ વિદ્યાર્થીઓને જ્યારે પોતાના શિક્ષકને બદલે અન્ય શિક્ષકો દ્વારા ભણાવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી પુરા ઉન્માદ સાથે અભ્યાસમાં ધ્યાન આપી શકતો નથી. આથી મેં વિચાર્યું કે યુ-ટયુબના માઘ્યમથી વીડિયો પ્રસારીત કરીને દરેક શિક્ષક પોતાના વિદ્યાર્થીને કેમ ન ભણાવી શકે ! “

સ.સં. ૧૨૪૨ સ.સં. ૧૨૪૨ કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા 3

        આ વિચારને અમલી કરતાં વિદ્યાર્થીઓ માટે નવી મેંગણી તાલુકા શાળાના નામની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જે માટે પ્રાથમિક શાળાના રૂમમાં જ સ્ટુડિયો જેવું વાતાવરણ ઉભું કર્યું. વિદ્યાર્થીઓને ઘરે બેઠા શાળા જેવી લાગણી સાથે અભ્યાસ કરી શકે તે માટે અભ્યાસક્રમના કોર્સ મુજબ સરળ અને માહિતીપ્રદ વીડિયો બનાવીએ છીએ. એડીટીંગ જેવી ટેકનિકલ વસ્તુ શીખીને  માત્ર કથન પધ્ધતિ નહીં પરંતુ વિશદ છણાવટ, ચિત્રો અને સંગીત સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જેનો લાભ તાલુકા શાળાના ઘોરણ ૬ થી ૮ના ૭૫ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. તેમજ અન્ય વિદ્યાર્થીઓ પણ આ યુ-ટયુબ ચેનલનો લાભ લઈ રહ્યા છે તેમ શિક્ષકશ્રી સાકરીયાએ કહ્યું હતું.

સ.સં. ૧૨૪૨ સ.સં. ૧૨૪૨ કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા 1

        આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા વોટ્સઅપ ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓએ કરેલા અભ્યાસ કાર્યનું ફીડબેક લેવામાં આવે છે. ઓનલાઈન પરીક્ષા લઈને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.  આ તકે દરેક શિક્ષક માટે આદર્શ એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિચારો મનમાં ગુંજી રહ્યા છે કે ” શિક્ષક એ નથી કે જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને જબરદસ્તી રીતે પ્રસ્થાપિત કરે, પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે કે જે આવનાર પડકારો માટે વિદ્યાર્થીને તૈયાર કરે”.

        કોરોનાની મહામારીમાં સરકાર અને સરકારના દરેક એકમના કર્મચારીઓ લોકસેવા અને લોકકલ્યાણ અર્થે મહત્વની કામગીરી કરી છે અને કરી રહ્યા છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે નલીનભાઈ સાકરીયાની કર્તવ્યનિષ્ઠા અન્ય શિક્ષકો અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે