Girls Shala Pravesh 3 2 edited

રાજકોટ જિલ્લાની ૧૫ કિશોરીઓએ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શાળામાં મેળવ્યો પુન:પ્રવેશ

Girls Shala Pravesh edited

” મારી જેમ અન્ય કિશોરીઓ પોતાનું ભણતર અધુરું ન મુકેતે માટેશિક્ષક બનીને લોકોને શિક્ષાનું મહત્વ સમજાવું છે “:  કિશોરી નિકિતા નિમાવત

અહેવાલ: પ્રિયંકા પરમાર, રાજકોટ

 રાજકોટ,૨૧ ઓક્ટોબર: સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર આર્થિક, સામાજિક,  રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે સમતોલ વિકાસ કરી રહી છે. ત્યારે આજે વાત કરવી છે, શિક્ષણ ક્ષેત્રના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ બની કિશોરીઓને પુન: શિક્ષણ તરફ વાળવાનું સંનિષ્ટ કાર્ય કરતા રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગની.

પારિવારીક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ કે અન્ય કોઈ કારણોસર કિશોરીઓ શાળાએ જવાનું બંધ કરી દેતી હોય છે અને પોતાનું ભણતર અધુરૂં મુકી દેતી હોય છે. ત્યારે રાજકોટના સંકલિત મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં ભણી ગણીને નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરતી કિશોરીઓનું મહત્વ કેટલું છે તે સમજાવીને તેમની સમસ્યાઓનું નિવારણ કરીને તેમને ફરી શાળામાં પુન:પ્રવેશ મેળવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. જેના કારણે રાજકોટ જિલ્લાની ૧૫ કિશોરીઓએ શાળામાં પુન:પ્રવેશ મેળવ્યો છે. જે દર્શાવે છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દરેક ક્ષેત્રમાં સમતોલ વિકાસ કરવા માટે મક્કમ ગતિએ કામ કરી રહ્યું છે.

Girls Shala Pravesh 3 2 edited

આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રયાસો થકી ૧૫ કિશોરીઓએ શાળામાં પુન:પ્રવેશ મેળવ્યો છે, જેમાંની એક કિશોરી એટલે વિંછીયાના હાથસણી ગામમાં રહેતી નિકિતા વિજયભાઈ નિમાવત. શાળામાં પુન:પ્રવેશ મેળવીને ભણતર માટે નવી ઉર્જા સાથે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મે ધોરણ ૧૨ પછી અભ્યાસ છોડી દીધો હતો. પરંતુ અમારા આંગણવાડીના બહેન શોભાબેન સદાદીયાએ મને સમજાવી. શિક્ષા થકી મારું સામાજિક અને પારિવારીક જીવન કેટલું સુખમય હશે તેની અનુભૂતિ કરાવી છે. તેથી મેં અમરાપુરમાં B.A. કરવાનો નિર્ણય કર્યો છે. હવે મારે શિક્ષક બનીને લોકોને શિક્ષાનું મહત્વ સમજાવું છે, જેથી મારી જેમ અન્ય કોઈ કિશોરીઓ પોતાનું ભણતર અધુંરૂં ન મુકે.”  

આ સંદર્ભે રાજકોટ આઈ.સી.ડી.એસ.વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે, ” રાજકોટ જિલ્લાના સી.ડી.પી.શ્રી.ઓ.શ્રી., મુખ્ય સેવિકા, પૂર્ણા કન્સલ્ટન્ટ અને આંગણવાડી બહેનો દ્વારા કોઈપણ કારણોસર અધુરો અભ્યાસ છોડી ચુકેલી કિશોરીને શાળામાં પુન:પ્રવેશ માટે સમજાવામાં આવે છે.તેમના માતાપિતા સાથે વાતચીત કરીને આર્થિક કે બીજી કોઈ સમસ્યા હોય તો તે જાણીને તેનું નિવારણ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમજ જો શાળામાં પુન:પ્રવેશ માટે હામી ભરે તો શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને તેમને એડમીશનની પ્રક્રિયામાં પણ મદદ કરવામાં આવે છે.”

Girls Shala Pravesh 3

કિશોરીઓને સરકારની શિક્ષણલક્ષી આર્થિક સહાયની સમજ આપવામાં આવે છે. સામાન્ય રીતે ૮-૧૦ ધોરણ પછી ડ્રોપઆઉટ રેશિયો વધુ જોવા મળે છે. તેથી જો અપડાઉનની સમસ્યાઓ હોય તો સરકાર વિદ્યાર્થીઓને પરિવહન માટે ફ્રી પાસની સુવિધા આપે છે, આદર્શ નિવાસી શાળાઓની પણ સુવિધા છે જેવી બાબતોથી અવગત કરાવવામાં આવે છે તેમ પુર્ણા કન્સલ્ટન્ટ શ્રધ્ધાબેન રાઠોડે કહ્યું હતું.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વસતી અને શિક્ષણને અધવચ્ચેથી તિલાંજલી આપેલી અનેક બાળા – કિશોરીઓને પુન: શિક્ષણના રસ્તે વાળીને રાજ્ય સરકાર અને તેના અનેકવિધ વિભાગો અને તેના કર્મયોગીઓ સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવી રહયાં છે

loading…