Sayaji hospital staff

સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે યોદ્ધા તરીકે સેવા આપનાર લડવૈયાઓ ને અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે

Sayaji hospital staff
  • સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે પહેલા દિવસે કોરોના વોર્ડમાં મોખરાની હરોળના યોદ્ધા તરીકે સેવા આપનાર લડવૈયાઓ ને અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે
  • પ્રથમ સો ની યાદીમાં ૧૪ મહિલા તબીબો સહિત ૬૩ જેટલી મહિલા કોરોના વોરિયર
  • વડોદરા મહાનગર પાલિકા અને સયાજી હોસ્પિટલની સંયુક્ત બેઠકમાં પહેલા દિવસના પહેલા ૧૦૦ રસી લેનારાઓની કરવામાં આવી પસંદગી

વડોદરા, ૧૫ જાન્યુઆરી: કોવીડ એ ઝડપથી પ્રસરતા ચેપ વાળો રોગ છે.સંક્રમણના જોખમ વચ્ચે સતત રહીને એમણે ડર્યા વગર દર્દીઓની સેવા સુશ્રુષાની દાદને પાત્ર ફરજો બજાવી છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે પહેલા દિવસે રસીકરણની શરૂઆત કોવીડ વોર્ડમાં સતત સેવા આપીને દાખલો બેસાડનારા મોખરાની હરોળના કોરોના લડવૈયાઓને, એમની સેવાઓની કદર રૂપે અને એમની સલામતી માટે એમનાથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

બુધવારે મળેલી સયાજી હોસ્પિટલ અને વડોદરા મહાનગર પાલિકાની સંયુક્ત સંકલન સમિતિની બેઠકમાં પહેલા દિવસના પ્રથમ સો લાભાર્થીઓની યાદી બનાવવામાં આવી એવી જાણકારી આપતાં કોવીડ ટ્રીટમેન્ટ ફેસિલિટીના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે આ એવા લોકો છે જેમણે સંક્રમણના જોખમ વચ્ચે રહીને સતત ફરજો બજાવી છે એટલે મોખરાની હરોળના કોરોના લડવૈયા તરીકે રસીનુ સુરક્ષા ચક્ર પ્રદાન કરવા માટે એમની સહુથી પહેલી પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં ડોકટર,નર્સિંગ સ્ટાફ,સહાયક આરોગ્ય કર્મીઓ અને સેવકો/ સફાઈ કામદારો , એ ચારેય મુખ્ય કેડરના સેવા કર્મીઓની સપ્રમાણ પસંદગી કરવામાં આવી છે.આ પૈકીના ઘણાં યોદ્ધાઓ સેવા આપતાં આપતાં કોવીડગ્રસ્ત થયાં અને સાજા થઈને પાછા કોરોનાના દર્દીઓની સેવા સુશ્રુષા માં લાગી ગયા હતાં.

પહેલા દિવસની લાભાર્થી યાદી ચકાસતા જણાય છે કે રસી લેવાના છે તેવા પ્રથમ સો માં ૧૪ મહિલા તબીબો સહિત લગભગ ૬૦ થી વધુ મહિલા કોરોના વોરિયર છે.જે દર્શાવે છે કે માતા સ્વરૂપ નારી શક્તિએ ખૂંખાર કોરોના સામેની લડતમાં સહેજ પણ પાછળ રહ્યાં વગર ખભેખભા મિલાવીને યોગદાન આપ્યું છે. ડો બેલીમ પણ કહે છે હેલ્થ કેર સેક્ટર માં મહિલાઓની સંખ્યા લગભગ ૫૦ ટકા છે.

covid ward

સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે આઇ.સી.એમ.આર. અને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિર્ધારિત એસ.ઓ.પી. પ્રમાણે પ્રતીક્ષા ખંડ, નોંધણી ખંડ, રસીકરણ ખંડ અને રસી લેનારને ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવા માટે નિરીક્ષણ ખંડ સહિતની જરૂરી તમામ સાધન સુવિધા રાખવામાં આવશે.જેમની રસી માટે પસંદગી થઈ છે એમને મહાનગર પાલિકા દ્વારા એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવશે.રસીકરણ કેન્દ્ર ખાતે આ એસએમએસને આધારે જે તે લાભાર્થીનો ડેટા કાઢીને પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ,પાસપોર્ટ,આઇ કાર્ડ જેવા માન્ય પુરાવા દ્વારા તેમની સચોટ ઓળખ કરીને તેમને રસી લેવાની અનુમતિ આપવામાં આવશે. અહીં એક એમ્બ્યુલન્સ પણ તૈનાત રખાશે જેથી કદાચિત કોઈ રસી લેનારને વધુ આડઅસર જણાય તો તાત્કાલિક સારવાર માટે લઇ જઇ શકાય.જો કે તેનો ઉપયોગ કરવાની નોબત ભાગ્યેજ આવશે.
આ ઉપરાંત આ સ્થળે એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનાઈઝેસન કમિટી ( Aefi)ના વિવિધ શાખાઓના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહેશે જેથી કદાચ જરૂર પડે તો આડઅસર ગ્રસ્ત ની સારવાર તેઓ કરી શકે.આ વ્યવસ્થા સંપૂર્ણ તકેદારીના ભાગ રૂપે કરવામાં આવી છે.રસીકરણ એક સલામત પ્રક્રિયા બની રહે તે માટે આ અગમચેતી અનિવાર્ય છે.

કોરોના વોર્ડમાં મોખરાની હરોળ અને સેકન્ડરી હરોળ એમ બે કેડર છે તેવી જાણકારી આપતાં તેમણે ઉમેર્યું કે ચાર કોર ડિપાર્ટમેન્ટ મેડીસીન, એનેસ્થેસિયા, ઇમરજન્સી મેડીસીન કેર અને પલ્મોનરી વિભાગના કર્મયોગી આ મોખરાની હરોળમાં રસીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે.તે પછી નોન કોર ગ્રુપના લોકોને રસી આપવામાં આવશે. કોરોના સામે જેમણે અવિરત લડત આપી છે અને હજુ આપી રહ્યાં છે એવી અગ્રીમ હરોળના લડવૈયાઓથી રસીકરણની શરૂઆત સર્વે સંતુ નિરામયાની ભારતીય સંસ્કૃતિની ઉમદા ભાવનાને ચરિતાર્થ કરે છે.આ લોકો તબીબી જ્ઞાન દ્વારા કોરોના સામે લડવામાં મોખરે રહ્યાં અને હવે રસીકરણમાં પણ પહેલો મોરચો સંભાળશે..સલામ છે એમને…

આ પણ વાંચો…આ લોકો માટે ઉત્તરાયણની મજા બની મોતની સજા, કેટલાક ઘાયલ તો કેટલાંક ગુમાવ્યા જીવ- વાંચો વિગત