surat smmimer hospital

Schmeier Hospital: સ્મીમેરની ગાયનેક અને એનેસ્થેસિયા વિભાગના ટીમવર્કથી મહિલાને મળ્યું નવજીવન

Schmeier Hospital: સ્મીમેર હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી

બ્લડની ૧૬ બોટલ અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મહિલાને મૃત્યુના મૂખમાંથી ઉગારી સ્વસ્થ કર્યા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૧૭ એપ્રિલ
: Schmeier Hospital: સહિયારા પુરૂષાર્થના હંમેશા શ્રેષ્ઠ પરિણામો મળતાં હોય છે. એટલે જ દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય, ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે જ છે, આ વાતને સાબિત કરતાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેસિયા વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી’ તબીબી ટીમે સુરતની એક મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામના પરિણીતા રેખાબેન રવિન્દ્રભાઇ રાજપુત લગ્નના ૧૨ વર્ષ બાદ ગર્ભવતી બન્યા, જેથી પરિવાર દ્વારા નિયમિતપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરવતા હતા. જે દરમિયાન સગર્ભાનું બ્લડ પ્રેસર વધુ રહેતું હતું. જેની દવા પણ શરૂ હતી.

Whatsapp Join Banner Guj

પરંતુ તા.૭ એપ્રિલના રોજ રાત્રિના સમયે રેખાબેનની તબિયત બગડતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડ્યાં, જ્યાં સોનાગ્રાફી કરતાં જાણ થઇ કે આઠ માસનું બાળકનું સગર્ભા માતાના ઉદરમાં જ મૃત્યુ થયું છે. સગર્ભાના શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ ઓછું હોવાનું જણાતા સ્મીમેર હોસ્પિટલમાં (Schmeier Hospital) રિફર કરવામાં આવ્યા હતા. તેમને બ્લડની ૧૬ બોટલ અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી ઓપરેશન કરી મૃત્યુના મૂખમાંથી ઉગારી સ્વસ્થ કર્યા હતાં.

ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીના માર્ગદર્શન હેઠળ ડો.મેઘના શાહ, ડો.શ્રીમ દેસાઇ, ડો.સેજલ પટેલ તથા એનેસ્થેટિસ્ટ ડો. ભાવના સોની, ડો.હેતલ હાથીવાલા, ડો.સઇદા મુજપુરવાલા, ડો.મેહુલ સુરતવાલા, ડો.રિન્કલ પટેલ, ડો.તનુશ્રી, ડો.મમતા, ડો.નિધિ, ડો.જહાન્વી, ડો.હેત્વીના સહિયારા પ્રયાસોથી સફળ ઓપરેશન કરી માતાનો જીવ બચાવી શકાયો હતો.

ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, હાલની કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં ગાયનેક તથા અન્ય વિભાગ પોતાની કામગીરી નિભાવી રહ્યા છે કોવિડ ડ્યુટી હોવા છતાં પણ પોતાની રેગ્યુલર ડ્યુટીને ન્યાય આપી તબીબો, નર્સિંગ સ્ટાફ સેવા આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તા ૭ એપ્રિલના રોજ સર્ગભા મહિલા રેખાબેન રાજપુતને સ્મીમેરમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખુબ ગંભીર હતી. લોહીનું પ્રમાણ ૫ ટકાથી પણ ઓછું હતું. મેલીનો ભાગ ગર્ભાશયથી છુટો પડી ગયો હતો, જેને મેડિકલની ભાષામાં Abruption placenta કહેવાય છે. જેના કારણે માસિકના રસ્તેથી ખૂબ લોહી વહેતું હતું. આ પરિસ્થિતિમાં દર્દીની લોહી જામવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. દર્દીને લોહીની બોટલ ચઢાવવાની સાથે તાત્કાલીક દર્દીને ઓપરેશનમાં લઇ જીવ બચાવી શકવામાં સફળતા મળી હતી.

ADVT Dental Titanium

Schmeier Hospital: એનેસ્થેટિસ્ટ વિભાગના ડો.ભાવના સોનીએ જણાવ્યું હતું કે, ‘મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ સતત ઘટતું જતું હતું. ઓપરેશન દરમિયાન તેમના ધબકારા વધી ગયાં હતા અને લોહીનું દબાણ ઓછું થઇ ગયું હતું, જેથી શારીરિક સ્થિતિ પૂર્વવત કરવા દવા ચાલું કરવામાં આવી અને દર્દીને વેલન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ૩ દિવસ સ્મીમેરના ગાયનેક અને એનેસ્થેસિયાના તબીબોના ટીમવર્કથી મહિલાને નવજીવન મળ્યું છે. કોરોનાના કપરાં કાળમાં સિવિલ અને સ્મીમેરના ડોક્ટરો કોરોનાની ફરજમાં પણ પ્રવૃત્ત છે, ત્યારે દર્દીને મોતનાં મુખમાંથી પાછું ખેંચી લાવવામાં તેમજ દર્દીની ગર્ભાશયની કોથળી બચાવવામાં સફળ થયા છીએ. જેથી દર્દી ભવિષ્યમાં ફરીવાર માતા બની શકે.

દર્દી રેખાબેન જણાવે છે કે, એક સમયે મને લાગ્યું કે હવે હું બચી નહીં શકું, પરંતુ ડોકટરો મને સ્વસ્થ કરવાં જે કોશિશ કરી રહ્યાં હતા, એનાથી મારૂ મનોબળ વધ્યું હતું. મારા માટે મહેનત કરનાર સ્મીમેર હોસ્પિટલના તમામ ડોક્ટરોએ મને જીવનદાન આપ્યું છે. ‘ફરજ પરના ડોક્ટરોએ બેફિકર રહેવા અને પત્ની કશું જ નહીં થવા દઈએ’ એવું કહેતા હિંમત આવી હોવાનું તેમના પતિ રવિન્દ્રભાઇ રાજપુતે જણાવ્યું હતું. આમ, આ સમગ્ર કેસમાં સ્મીમેર હોસ્પીટલના ગાયનેક, એનેસ્થેસીયા ટીમે ‘’મલ્ટીડીસીપ્લીનરી ટીમ’’ તરીકે ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી ગંભીર કેસમાં પણ ઉત્કૃષ્ટ ફરજ નિભાવી છે.

આ પણ વાંચો…ICC T20 World Cup 2021માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ક્રિકેટર્સને મળશે વિઝા