રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

Plasma Prashant jain addnl Judge 4 edited

ન્યાય મંદિરમાં બેસી લોકોને ન્યાય આપવાની સાથે રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૨૮ ઓક્ટોબર: “કોરોના” આ ત્રણ શબ્દનો અક્ષર આજે સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે. પ્રત્યેક દેશ કોરોનાના સંક્રમણથી તેમના નાગરિકોને બચાવવા કોરોના રસીના સંશોધન માટે કટિબધ્ધ બની કાર્ય કરી રહ્યા છે, તેવા સમયે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બની રહી છે પ્લાઝમા થેરેપી.

આજે વિશ્વના દેશો કોરોનાની રસી પાછળ નાણાંની સાથે સમય-શક્તિ ખર્ચી રહ્યા છે, તેવા સમયે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના લોકો પ્લાઝમા થેરાપી થકી કોરોનાગ્રસ્ત લોકોને નવજીવન આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આજે વાત કરવી છે, આવા જ એક ઉચ્ચ વૈચારિક શક્તિ ધરાવતા અને રાજકોટના ન્યાય મંદિરમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજના મહત્વપૂર્ણ હોદ્દા ઉપર કાર્યરત શ્રી પ્રશાંત જૈનની.

રાજકોટમાં રહેતા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પ્રશાંત જૈનને તારીખ ૧૦ મી સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવતા તેમણે હોમ કવોરન્ટાઈન થઈને મલ્ટી વિટામીન અને હોમિયોપેથીક દવાઓ શરૂ કરી, સાથો-સાથ નાસ અને હળદરવાળું દૂધ તેમજ ઉકાળા સહિત આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પણ અપનાવી.

Plasma Prashant jain addnl Judge edited

એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પ્રશાંત જૈન કોરોના સંક્રમણથી માંડીને કોરોનામુક્ત બની તેમણે કરેલા પ્લાઝમા ડોનેશનની વિગતે વાત કરતાં કહે છે કે, કોરોનાથી ગભરાવાની જરાય જરૂર નથી. તમે ગભરાશો તો માનસિક રીતે કમજોર થશો, અને જો માનસિક કમજોર થશો તો તમને વધુ તકલીફ પડશે.

મને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે તરત જ મારા પરિવારના અન્ય લોકોને પણ મારી સાથે જ નાસ લેવા, ઉકાળા પીવા જેવા આયુર્વેદિક ઉપચાર પણ શરૂ કરાવ્યા હતા, જેના કારણે મારા પરિવારના અન્ય ત્રણ સદસ્યો અને મારા વયોવૃદ્ધ સાસુ-સસરાને કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ તેઓ ખૂબ ઝડપથી તેમાંથી બહાર નીકળી શક્યા છે. મારા સસરાને તો ડાયાબિટીસની બીમારી પણ હતી તેમ છતાં પણ તેઓ કોરોના સામેનો જંગ  ઝડપથી જીતી ગયા.

whatsapp banner 1

કોરોનામુક્ત બન્યા બાદ પ્લાઝમા ડોનેટનો વિચાર કેવી રીતે આવ્યો ? તે બાબતે જજ શ્રી પ્રશાંત જૈન કહે છે કે, મારા ઘર પાસે જ એનેટોમી ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતાં ડોક્ટર સોનલ રહે છે. તેમણે મને પ્લાઝમા ડોનેટ કરવા બાબતે પૃચ્છા કરતા મને થયું કે મે અત્યાર સુધીમાં અનેક વાર બ્લડ ડોનેટ કર્યું છે તો આ વખતે લોકોને કોરોનામુક્ત બનાવવા માટે પ્લાઝમા પણ ડોનેટ કરૂ. અને મે આ વિચારને અમલમાં મૂકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જઈને પ્લાઝમા ડોનેટ કરી મારું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

કોરોનાની મહામારીથી ગભરાઈ રહેલા લોકોને પ્રેરક સંદેશ આપતા તેઓ કહે છે કે, કોરોનાના કારણે થોડી કમજોરી જરૂર આવી જાય છે, પણ લોકોએ ગભરાવાની જરાય જરૂર નથી. કોરોનાથી જો બચવું હોય તો પ્રત્યેક વ્યક્તિએ સાવચેતી રાખવી જરૂરી છે. આ ઉપરાંત નાસ લેવો તથા આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ તેમજ હોમિયોપેથી દવા દ્વારા કોરોનાને અવશ્ય હરાવી શકાય છે.

કોરોના મહામારીથી લોકોને બચાવવા આજે જ્યારે સમગ્ર વિશ્વ કાર્ય કરી રહ્યું છે, એવા સમયે ગુજરાતમાં વસતા પ્રત્યેક વ્યક્તિ કોરોના સામેની લડાઈમાં કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરી કોરોના મુક્ત ગુજરાત – ભારતની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા

આ પણ વાંચો: વીજ ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!