Male Nurse 1

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

Male Nurse

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

  • કોરોના મૂક્ત થયા બાદ ૧૫ મી ઓગસ્ટ અને ૨ જી ઓકટોબરના રોજ બે વાર પ્લાઝમા ડોનેટ કરી અન્યોને નવજીવન બક્ષતા આશિષભાઈ
  • મારા એક નાનકડા પ્રયાસ થકી કોઈનું જીવન બચતું હોય તો બે વાર નહી, અનેક વાર પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું: આશિષભાઈ ભૂત

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૨૪ ઓક્ટોબર: જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકોની સુરક્ષા કાજે સરહદે તૈનાત સિપાહીઓ જેમ ઢાલ બનીને, પોતાનાં જીવનાં જોખમે દેશ અને દેશવાસીઓની રક્ષા કરે છે, તેવી જ રીતે હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્યકર્મી કોરોના પોઝિટિવ દર્દીઓના જીવનરક્ષક બની તેમને ફરી તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરવાં સતત કાર્યરત છે. માર્ચ મહિનાથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓ અવિરતપણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા થકી લોકસેવાનું કાર્ય કરી રહ્યાં છે. તેવા સમયે વાત કરવી છે, એક એવા મેઈલ નર્સની કે જેઓ સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સાજા કરતાં કરતાં સ્વયં કોવિડ-૧૯ થી સંક્રમિત થયાં, સારવાર બાદ ફરી ફરજ પર જોડાયા એટલું જ નહી પરંતુ કોરોનાથી પીડિત દર્દીઓને મદદરૂપ થવા બે-બે વખત પ્લાઝમા ડોનેટ કરી પોતાનો નર્સ તરીકેનો ધર્મ પણ અદા કર્યો. આ વાત છે, સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા આશિષભાઈ ભૂતની…

પ્લાઝમા ડોનેટ કરવાના વિચાર અંગે વાત કરતાં આશિષભાઈએ કહ્યું હતું કે, ” માર્ચ મહિનાથી હું સતત કોરોના સંક્રમિત દર્દીઓ સાથે સંકળાયેલો હતો. મેં આ દર્દીઓને ખૂબ નજીકથી જોયા છે, તેમનું દર્દ અનુભવ્યું છે. તેવા સમયે દર્દીઓની સેવા કરતાં કરતાં હું પણ કોરોના સંક્રમિત બન્યો. અને એ જ ક્ષણે મેં પ્લાઝમા ડોનેટ કરવાનો નિશ્ચય કરી લીધો.

કોરોના મૂક્ત બન્યા બાદ સૌ પ્રથમ ૧૫ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વના દિને અને ત્યારબાદ ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે પ્લાઝમા ડોનેટ કરી દેશભક્તિનું ઋણ ચૂકવનાર આશિષભાઈએ કહ્યું હતું કે, ” મારા નાનકડાં પ્રયત્ન થકી જો કોઈનું જીવન બચતું હોય તો હું બે વાર નહી, અનેક વાર પ્લાઝમા ડોનેટ કરવાં તૈયાર છું.” 

સમગ્ર દેશ – દુનિયા આજે કોરોના મહામારી સામે લડી રહી છે. તેવા સમયે આશિષભાઈ જેવા અનેક કર્મયોગી આરોગ્ય કર્મીઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની સાથે દેશબાંધવોને કોરોના મૂક્ત બનાવવાના કાર્યમાં પ્લાઝમા ડોનેટ કરી દેશના નાગરિક તરિકેનું માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરી રહયાં છે.

***************

loading…