OLd Age pstient

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

OLd Age pstient

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में ताकत की दवा देते हैं’ આ વિધાનને ચરિતાર્થ કરતા કોરોના વોરિયર્સ ડોક્ટર્સની કોરોનાગ્રસ્ત દર્દીઓ પ્રત્યેની કર્તવ્યપરાયણતા અને પ્રતિબદ્ધ સેવા-સારવારને પ્રતાપે રાજકોટ સિવિલકોવિડ હોસ્પિટલ માં અનેક દર્દીઓ કોરોના મુક્ત થઇ રહ્યા છે, તેવા સમયમાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર મેળવી શતાયુના આરે પહોંચેલા અને એક નહી પરંતુ અનેક બિમારી હોવા છતાં બુલંદ હૌસલાના પરિણામે કોરોનાને હરાવી ૯૦ વર્ષીય નિર્મળાબા અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા નિર્મળાબાએ ૧૪ દિવસની સઘન સારવાર મેળવી કોરોનામુક્ત બની મોતને મ્હાત આપી જિંદગી ગળે લગાડી છે.

whatsapp banner 1

બે વખત હૃદયરોગ અને એક વખત પેરેલિસિસના ઘાતક હુમલાને મક્કમ મનોબળથી ઝીલીને નવજીવન પામેલા નિર્મળાબા પોતાના કોરોનામુક્ત થવાના અનુભવને વર્ણવતા જણાવે છે કે,”શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે મને કોરોના કઈ રીતે થયો પણ મે મનથી નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુક્ત બનવું જ છે. ભલે મને હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી હોય.., હોસ્પિટલમાં મને ૧૦ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવી હતી. એ વખતે ડોકટરો ખાસ મારી મોટી ઉંમર અને મારી ગંભીર બીમારી બન્નેને ધ્યાને લઈને મારી વિશેષ કાળજી રાખતા હતા. મને તો અહીં ડોક્ટરના સ્વરૂપમાં ભગવાન મળ્યા, અહીં કામ કરતી દરેક દીકરીઓ સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે, તેમની આ આત્મીયતા સભર સારવારને કારણે જ હું કોરોના મુક્ત બની છું, હું મારી ઉંમરના દરેક લોકોને એક જ વિનંતી કરીશ કે કોરોનાથી ડરો નહીં તમે મનોબળ મક્કમ કરો. પરેજી અને સાવચેતી રાખશો તો જ કોરોનાના સંક્રમણથી બચી શકશો”.

Dr Hardvi

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળાબાના પૌત્રી ડો. હાર્દવીબેન સિવિલના કોવિડ વોર્ડમાં કાર્યરત છે, તેમના બા ને મળેલ સારવાર વિશે વાત કરતા તેઓ જણાવે છે કે,” સામાન્ય રીતે મોટી ઉંમર અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ જયારે કોરોના સંક્રમિત થાય ત્યારે ભય અનુભવતા હોય છે, પણ દાદીમાં એ ભયને જ ભસ્મીભૂત કરી નાખ્યો હતો. દાદીમાંનો મનોબળ ખુબ જ મજબૂત છે, અને તેના જ કારણે આટ-આટલી બિમારીઓ વચ્ચે પણ તેઓ કોરોના સામે લડી શક્યા છે.”

આમ, પોતાના મજબૂત આત્મબળને શસ્ત્ર બનાવી નિર્મળાબા કોરોનાને નિર્મૂળ કરી સ્વગૃહે પરત ફર્યા છે.   

loading…