Shahin

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

Shahin
  • પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ
  • પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ
  • સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ વિદાય આપી અને સાંજે ફરજ પર આવી

સુરત:મંગળવાર: સુરતના અલથાણ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરમાં ફરજ બજાવતાં મહિલા કેર ટેકરના પિતાનું અવસાન થવાં આઘાતની લાગણીને હૃદયમાં દબાવી દર્દીઓની સેવાને પ્રાધાન્ય આપ્યું હતું. સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ વિદાય આપી અને એ જ દિવસની સાંજે ફરજ પર આવી કોરોના દર્દીઓની સેવામાં લાગી ગયા હતાં. પિતાનું અવસાન છતા કોરોનાગ્રસ્તોની સેવામાં સમર્પિત રહેલાં આ કોરોના ફાઈટર છે સુરતના લિંબાયત વિસ્તારના શાહીન સલીમ સૈયદ. ‘બેટા, કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે.’ એવા પિતાના પ્રેરણાદાયી શબ્દોનું પાલન કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.

Shahin 2

૨૪ જુલાઈએ સવારે મહારાષ્ટ્રના માલેગાંવમાં રહેતા પિતા શબીર ખાનનું અચાનક અવસાન થયાના સમાચાર મળ્યા ત્યારે સૂરત ખાતે સેવા બજાવતા દીકરી શાહીદ સૈયદ શોકમગ્ન બની ગયાં પરંતુ બીજી જ પળે સ્વસ્થ બની વિડીઓ કોલથી છેલ્લી વાર પિતાનું મોં જોયું અને એ જ દિવસે સાંજે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં પ્રવૃત્ત પણ થઈ ગયાં.
અલથાણ કોમ્યુનિટી હોલમાં ઊભા કરાયેલાં ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’ના કોવિડ પોઝિટીવ વોર્ડમાં હાઉસકિપીંગના કાર્ય સાથે કેર ટેકર તરીકે ફરજ બજાવતાં ૩૨ વર્ષીય શાહીન સલીમ સૈયદ નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમના પતિ સલીમ સૈયદ પણ તેમની સાથે અહીં ફરજ બજાવી રહ્યા છે.
સમાજમાં ઉચ્ચ કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનાર શાહીન સૈયદ જણાવે છે કે, ‘૨૪મી જુલાઈએ માલેગાંવમાં રહેતાં મારા ૭૩ વર્ષીય પિતાના અચાનક અવસાનની ખબર મળી ત્યારે દુ:ખ અને આઘાત લાગ્યો. પરંતુ અલથાણ સેન્ટરમાં સેવામાં જોડાઈ ત્યારે ફરજ અને દર્દીઓની સેવાને પ્રાથમિકતા આપવાની મારા પિતાજીએ પ્રેરણા આપી હતી. એક બાજુ પીપીઈ કીટ પહેરીને કોરોનાગ્રસ્તોની સેવા, હાઉસકીપિંગ, કેર ટેકિંગની ફરજ અને એક બાજુ પિતાનું દુ:ખદ અવસાન થયું. પરંતુ દર્દીઓની સેવા જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે એવા ભાવથી વિડિયો કોલ કરી પિતાનું છેલ્લી વાર મોં જોયું અને અંતિમ વિદાય આપી હતી. અને એજ સાંજે ફરજ પર જોડાઈ ગઈ હતી.’આવી ઉદ્દાત ભાવનાને ધારાસભ્યશ્રી હર્ષ સંધવીએ પણ બિરદાવી હતી.


તેમણે કહ્યું કે, ‘હું અને મારા પતિ ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’માં સાથે જ હાઉસ કિપીંગ અને કેર ટેકિંગની ફરજ બજાવીએ છીએ. કોરોનાના દર્દીઓની સેવા સાથે હાઉસકિપીંગની જવાબદારી નિભાવું છું. પિતાના મૃત્યુનો શોક થવો સ્વાભાવિક છે, પરંતુ વિકટ સમયમાં સેવા કરવી એ મારી નૈતિક ફરજ છે. મારા પતિ અને પરિવારે પણ મને ખૂબ સહકાર આપ્યો છે.

Advertisement

ખરેખર, શાહીન સૈયદની સમર્પણ ભાવનાને જોઈને નતમસ્તક થઈ જવાય છે. સલામ છે આ કોરોના યોદ્ધાને..નોંધનીય છે કે, અલથાણ ખાતે ધારાસભ્યશ્રી હર્ષ સંધવીના માર્ગદર્શન હેઠળ ૧૮૨ બેડની ઓકિસજન સાથેની સુવિધા સાથેનું ‘અટલ સંવેદના કોવિડ સેન્ટર’ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી રહી છે