Kanhaiya lal

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

Kanhaiya lal

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં પરંતુ ‘‘ભાવ’’ થી જીવન જીવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, સમાજની અંદર જ્યારે પણ કોઈને કોઈ કારણથી ઉત્પીડન શરૂ થાય છે, ત્યારે શાસ્ત્રોકત દ્રષ્ટિથી જોઈએ તો એના ઘણા બધા કારણ હોય છે.

Advertisement

વર્તમાન કોવીડ-૧૯ ના કહેરથી વિશ્વ આખુ સંક્રમિત છે. ભારત વર્ષ અને તેમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં લોકો ભયભીત બન્યા છે. તેવા સમયે એમ લાગી રહયું છે કે, આ મહામારી – આ રોગ જેટલાને મારે છે, તેના કરતાં પણ વધુ લોકોને આ રોગનો ભય સતાવે છે, અને ભય જ વધુ મારે છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે, ‘‘ જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ’’ જેને ભગવાનની રક્ષા છે, જેના પર પરમાત્માના હજાર હાથ છે તેને કોઈ મારી નથી શકતું.

મારી આપ સૌને હાર્દિક અપીલ છે કે, આપણે આપણા ઈષ્ટદેવમાં શ્રધ્ધા રાખીએ. આપણું ધર્મ જગત તો એવું જ કહે છે કે, ‘‘ભાવ’’ થી જીવો ‘‘ભય’’ થી નહી. ભય ભયાવહ છે. કોઈ પણ કાર્યમાં ભય હશે તો સમજવું કે આપણું અડધું મરણ થઇ ચુકયું  છે.

ચાણકયએ નીતિશાસ્ત્રમાં કહયું છે, ‘‘ જાગૃત માણસને કોઈ ભય નથી રહેતો , ધર્મશાસ્ત્ર,  સૂત્રો,  ગ્રંથો આપણને સમજાવે છે કે, આપણે આ રોગનો પ્રતિકાર કરવા માટે નિર્ભયતાથી જીવવાનું છે. નરસિંહ મહેતા પણ કહે છે કે, ‘‘જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેહને તે સમયે તે જ મળશે’’. તો શા માટે આપણે ભયથી જીવન જીવવું જોઈએ.

કોરોના આવ્યો છે અને ચાલ્યો પણ જશે. એ એનો ક્રમ હશે. પણ આ સમયમાં આપણે આપણી શાંતિ, વિચારોની ધૈર્યતા કયારેય ખોવી ન જોઈએ.કોરોના મહામારીથી સમાજ જે ભીતરથી ભયભીત બન્યો છે, એ ભયહીન થઈ જાય, નિશ્વિંત બની જાય તો આપણી અડધી જીત તેમાં જ થઈ જશે.વેકસીન શોધવા અને સમાજ સુધી તેને પહોંચાડવા સરકાર બહુ સારા પ્રયાસો રહી છે. તેને અનેક ધન્યવાદ છે. વિશ્વ આખું, વિજ્ઞાન સંસ્થાઓ આની પાછળ કાર્યરત છે. પરંતુ આજના સમયમાં સૌથી મોટી વેકસીન છે, ભયમુક્ત રહેવું તે.

આ સમયનો તકાજો છે. સુખનો સૂરજ જો કાયમ ન રહેતો હોય તો દુ:ખનો સમય પણ કાયમ નથી જ રહેતો. આજે જે બીમારી છે, તે કાયમ નથી જ રહેવાની. એનો સમય થશે એટલે એ પણ ચાલી જ જશે. આપણે આ સમયે સંયમથી – ધૈર્યથી આપણા જીવનને વ્યતીત કરીએ. આપણે નિર્ભય થશું તો આપણો સમાજ, આપણું કુટુંબ, આપણી આજુબાજુનો સમાજ પણ નિર્ભય બનશે.

આ સમયમાં આપણું આત્મબળ અને આપણું મનોબળ એ સૌથી મોટામાં મોટી દવા છે, સૌથી મોટામાં મોટું વેક્સીન છે. અને આપણે સૌ જો નિર્ભય બનશું તો ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ની ઉક્તિ સનાતન સત્ય બનશે જ.

loading…