Ghudkhar

ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

Ghudkhar

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ વિસ્તારમાં ઘુડખર પ્રજાતિ જોવા મળે છે. સરકાર દ્વારા આ રણ વિસ્તારમાં વર્ષ ૧૯૭૦ બાદ દર પાંચ વર્ષે પક્ષી તેમજ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. જે અનુસંધાને માર્ચ ૨૦૨૦ મા ઘુડખરની ગણતરી કરતા તેની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે.

જે અન્વયે વર્ષ ૨૦૧૪ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૦માં ઘુડખરની સંખ્યા ૪૪૫૧ થી ૩૭ ટકા જેટલી વધીને ૬૦૮૨ થવા પામી છે. આ રણ વિસ્તારની અંદર અન્ય ૩૩ જાતના વન્ય પ્રાણીઓ પણ આવેલા છે જેમાં ચિંકારા, રણ લોકડી અને ડેજર ફોક્સની સંખ્યા પણ વધારો નોંધાયો છે. આ રણ વિસ્તારમાં વેટલેન્ડ આવેલ હોવાથી ઠંડીની સીઝનમાં સ્થાનિક તથા વિદેશી પક્ષીઓ પણ ડિસેમ્બરથી માર્ચ સુધીના સમયમાં અહીં આવતા હોય છે અને રણમાં રહેતા હોય છે. જેની ગણતરી જાન્યુઆરી – ૨૦૨૦ માં કરવામાં આવી હતી. જેમાં ૧૫૨ જેટલા અલગ – અલગ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા ૩.૫૦ લાખથી વધુ નોંધાઈ છે.

Advt Banner Header

વધુમાં આ રણની અંદર ઘુડખર, પક્ષીઓ તેમજ પ્રાણીઓને જોવા માટે દેશ – વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. ઠંડીની સીઝનમાં ઘુડખર અભયારણ્ય દ્વારા સ્કૂલના બાળકો માટે નિઃશુલ્ક શિબિર પણ યોજવામાં આવે છે. જેમાં રણની અંદર આવેલા વન્ય જીવ વિશે માહિતી આપવામાં આવે છે તેમ જણાવાયું હતું.