Forest meva 8

તમે કદી ચારોળા ખાધા છે ? કે એનું નામ સાંભળ્યું છે? આજે જાણો ચારોળા વિશે…..

વાત જંગલના કીમતી મેવાની

  • તમે કદી ચારોળા ખાધા છે કે એનું નામ સાંભળ્યું છે? એના વૃક્ષો પર અત્યારે ફૂલ બેઠા છે
  • મુખ્ય ગૌણ વન પેદાશ ચારોળી આપતાં અંદાજે ૯૦ હજાર વૃક્ષો છોટાઉદેપુરના આરક્ષિત વન વિસ્તારમાં છે

અહેવાલ: સુરેશ મિશ્રા, વડોદરા

વડોદરા, ૧૯ જાન્યુઆરી: તમે કદી ચારોળાં ખાધાં છે? આ પ્રશ્નનો જવાબ જેમનું બચપણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, છોટાઉદેપુર કે પાવી જેતપુર તાલુકામાં વીત્યું હોય તે જ હકારમાં આપી શકે. ચારોળા એ લગભગ ચણી બોરના કદનું ખટમીઠું સ્વાદિષ્ટ ફળ છે જે એ જ નામથી ઓળખાતા વૃક્ષ પર બહુધા ઉતરતા ઉનાળે થાય છે અને એના ઠળિયાને ભાંગતા જે બીજ મળે એ ચારોળી જે બદામ કાજુના ભાવે વેચાતો કીમતી સૂકોમેવો છે.

Whatsapp Join Banner Guj

હાલમાં ચારોળાના ઝાડો પર ફૂલ બેઠાં છે એટલે કે તેની ફ્લાવરિંગ સીઝન છે એવી જાણકારી આપતાં છોટાઉદેપુર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી નિરંજન રાઠવા જણાવે છે કે અમારા વન વિસ્તારના ખાસ કરીને છોટાઉદેપુર,પાવી જેતપુર અને કવાંટ તાલુકાઓમાં અંદાજે ૯૦ હજાર જેટલાં આ વૃક્ષો હોવાનું અનુમાન છે.

આનંદની વાત છે કે ગુજરાતમાં માત્ર છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં આ વૃક્ષો છે.રતન મહાલ અભ્યારણ્યમાં તેના છૂટાછવાયા વૃક્ષો છે પણ અહી છે એટલા વૃક્ષો નથી.

ચારોળાના વૃક્ષનું ફળ એ ચારોળા અને એનો ઠળિયો ભાંગતા જે બીજ મળે એ ચારોળી.એનું વૈજ્ઞાનિક નામ બુકનાનીયા લંઝન છે અને ચારોળીનો મુખ્યત્વે ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટેના સૂકા મેવા તરીકે થાય છે. આ ઉપરાંત આયુર્વેદિક અને યૂનાની દવાઓમાં તે વપરાય છે.આમ,આ કીમતી જંગલી મેવો છે. વન વિભાગના એક પ્રકાશન પ્રમાણે સન ૨૦૨૦ – ૨૧ માં સહભાગી વન મંડળીઓ દ્વારા અંદાજે ૩૭૯૦ કિલો ચારોળા ફળ એકત્ર કરી તેમાંથી મળેલી ચારોળીનું વન વિકાસ નિગમને વેચાણ કરવામાં આવ્યું હતું.ઠળિયાનું એકત્રીકરણ અને બીજ કાઢવાની પ્રક્રિયા કડાકૂટ વાળી અને જહેમત માંગી લેનારી છે.

જિલ્લામાં આ વૃક્ષોની બહુતાયત છે તેવા વિસ્તારની લગભગ ૪ થી ૬ સહભાગી વનીકરણ મંડળીઓ આરક્ષિત જંગલમાં આવેલા આ વૃક્ષોના જતન અને સંરક્ષણ માં યોગદાન આપે છે અને વળતર તરીકે તેમને આ કીમતી ગૌણ વન પેદાશના એકત્રીકરણનો અધિકાર આપવામાં આવ્યો છે.ખાનગી માલિકીના છૂટાછવાયા વૃક્ષો પણ છે.

GEL ADVT Banner

ચારોળાના વૃક્ષો આદિજાતિ સમુદાય માટે મોસમી વૈકલ્પિક રોજગારીનો સ્ત્રોત છે તેનો ઉલ્લેખ કરતાં છોટાઉદેપુર વન વિભાગના મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી જણાવે છે કે અહીંનો વન વિસ્તાર આ વૃક્ષો માટે અનુકૂળ છે અને આવકનું સાધન બની શકે તેમ છે જેને અનુલક્ષીને આ વૃક્ષોની સંખ્યા વધે તે માટે અહીની નર્સરીઓમાં રોપ ઉછેર કરીને આરક્ષિત જંગલ વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે.

આપણાં જંગલો આવી વિવિધતાસભર ,બહુવિધ રીતે ઉપયોગી અને કીમતી વન પેદાશો નો ભંડાર છે,લગભગ આયુર્વેદિક ઔષધાલય છે ત્યારે તેને સાચવવા અને વધારવામાં જ ડહાપણ છે.

આ પણ વાંચો..બનાસકાંઠા માં હવે ખનીજ ચોરો સામે તીસરી આંખ …ડ્રોન કેમેરા વડે ખનીજ ચોરી ઝડપી પાડી.