CM Rupani 1709 1 edited scaled

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટિબદ્ધ છે સરકાર સજાગ છે.પરિસ્થિતી કાબુમાં છે: મુખ્યમંત્રીશ્રી

Gujarat CM Vijay Rupani statement on covid-19
  • સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળે જલ્દી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે
  • સૌ નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે-ભીડભાડ ટાળે-માસ્કનો ઉપયોગ કરે-સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ
  • રાજ્યમાં લોકડાઉન કે કરફયુની વાત માત્ર અફવા છે-ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી
  • ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત રહેશે
  • લોકોની આરોગ્ય સલામતી સરકારની પ્રાયોરિટી છે-સંક્રમણ વધશે તો આરોગ્ય સલામતી ધ્યાને રાખી યોગ્ય નિર્ણય કરીશું
  • કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર-દવાઓ સહિતની સુવિધા માટે એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાય છે
  • કોરોના વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ– ગુજરાતમાં અંદાજે ૧ હજાર લોકો પર કામ ચાલી રહ્યું છે
  • ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેકસીન અંગેની વિતરણ વ્યવસ્થા થશે

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય માં કોરોના સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછું સંક્રમણ થાય એટલું જ નહિ, સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળી રહે તે માટે પૂરતા બેડ, તબીબો, દવાઓ-સાધન સામગ્રી ની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સંક્રમિતો આના પરિણામે જલ્દીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે જાય તેવી આપણી નેમ છે, એમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોની સ્વાસ્થ્ય સલામતિ એ સરકારની પ્રાયોરિટી-પ્રાથમિકતા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની કે રાત્રિ કરફયુ લાગુ કરવા ની વાતો માત્ર અફવા છે. તેમણે કહ્યું કે, જે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ માં હાલ જે રાત્રિ કરફયુ છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકો ને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણને વ્યાપક થતું અટકવવા સૌ લોકો એસ.ઓ. પી. નું પાલન કરે, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડભાડ ન કરે અને સ્વયં સતર્કતા, સાવચેતી રાખે. ખોટો ડર કે ગભરાટ રાખવાની પણ કોઇએ જરૂર નથી એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકાર સંપૂર્ણ સજાગ છે અને પરિસ્થિતી કાબુમાં છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આમછતાં, જો સંક્રમણનો વ્યાપ વધશે કે સ્થિતી વિકટ થશે તો રાજ્ય સરકાર લોકોની આરોગ્ય-સલામતિ ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે. તેમણે કોરોના વેકસીનની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપતાં જણાવ્યું કે, આ વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર કામ ચાલે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર પણ બને તેટલી વ્હેલી વેકસીન આવી જાય તેમજ તે બને એટલી પારદર્શીતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં વિચારાધિન છે.શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સંભવત: આ વેકસીન વિતરણ માટે ચાર સ્ટેજ બનશે. પ્રથમ સ્ટેજમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે ડૉકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, હોસ્પિટલોના સ્ટાફ વગેરેને આવરી લેવાશે.

દ્વિતીય સ્ટેજમાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇ કર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે તેમજ ત્રીજા સ્ટેજમાં પ૦ વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા સ્ટેજમાં પ૦ વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબીડ એટલે કે અન્ય બિમારી ઓથી પીડિત લોકોને આવરી લેવાશે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ પ્રારંભિક ચર્ચા-વિચારણાઓ છે પરંતુ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેકસીન અંગેની વિતરણ વ્યવસ્થા થશે.