રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

રોપ-વેને લીધે ૨૨ વર્ષ પછી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી : મુખ્યમંત્રીશ્રી

અહેવાલ: નિરાલા જોષી

જૂનાગઢ, ૨૪ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે આદ્યશક્તિ આરાધનાના આઠમા નોરતે ગિરનાર પર રોપ-વે લોકાર્પણના પ્રથમ દિવસે રોપ-વેની ટ્રોલીમાં બેસીને શિખર પર બિરાજતા માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીની સાથે તેમના ધર્મપત્ની શ્રી મતિ અંજલીબેન રૂપાણી અને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડા અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ સહભાગી થયા હતા.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ બાદમાં ગિરનાર રોપ-વે(ઉડનખટોલા) પરિસરમાં દિપ પ્રાગટ્ય કર્યું હતું. ઉડનખટોલા ખાતે ગિરનાર રોપ-વે ઉષા બ્રેક્રો કંપનીના ચેરમેન પ્રશાંત જાવર અને એમડી અપૂર્વ જાવર વગેરેએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રોપ-વેની સૌપ્રથમ ટ્રોલીમાં બેસીને રોપ-વેની ૨.૩૨ કિલો મિટર ની સફર કરી અંબાજી માતાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ખાતે  મુખ્યમંત્રીશ્રીનું અંબાજીના મહંત શ્રી તનસુખગીરી બાપુ અને મહંત ગણપતગીરી બાપુએ સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સતાધારના મહંત શ્રી વિજયબાપુ, મહંત મુક્તાનંદ બાપુ, શેરનાથબાપુ, પ્રેમનાથબાપુ,  હરીહરાનંદબાપુ અને ઇન્દ્રભારતીબાપુ સહિતના સંતો મહંતોના આશીર્વચન મેળવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ માં અંબાના દર્શન કર્યા બાદ લોઅર સ્ટેશન તળેટી ખાતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વેનો પ્રારંભ થયો છે તે આનંદની વાત છે. અત્યાર સુધી મોટી ઉંમરના વડીલો, અશક્તો અને બાળકો ગિરનાર પર વધારે પગથિયા હોવાથી માતા અંબા અને ગિરનારના ધર્મસ્થળોના દર્શનાર્થે જઇ શકતા ન હતા અથવા તો વધારે ઉંચાઇને લીધે શારિરીક તકલીફ પડતી હતી. હવે રોપ-વે થતા બધા જ માતા અંબાના દર્શન કરી શકશે અને ગિરનારની પ્રકૃતિ નિહાળી શકશે. આજે રોપ-વે દ્વારા માતા અંબાના દર્શન થયા તે અંગે પોતાને ભાગ્યશાળી ગણાવતા મુખ્યમંત્રીએ કર્યુ કે, હું ૨૨ વર્ષ પહેલા ગિરનાર આવ્યો હતો અને આજે રોપ-વેને લીધે આટલા વર્ષો પછી માતા અંબાના દર્શન થયા તે અંગે ધન્યતા અનુભવુ છું.બાદમાં મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતુ.  

આ પ્રસંગે મેયર શ્રી ધીરૂભાઇ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ,  જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ , અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, ટુરિઝમ કોર્પોરેશનના એમડી શ્રી જેનુ દેવાન, ઉર્જા વિકાસ નિગમ ના મેનેજીંગ ડાયરેક્ટર શાહ મિનાહ હુશેન,  પીજીવીસીએલના એમ.ડી.શ્વેતા ટીવેટીયા તેમજ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી,  આઇજીપી મનિન્દરસિંહ પવાર, પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.

************

loading…