Building Elokarpan

મંગળવારે સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રૂા.૨૦૧.૮૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરશેઃ

સુરત, ૧૯ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૨૦મીના રોજ મંગળવારે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂા.૨૦૧.૮૬ કરોડના વિકાસપ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી ઈ-માધ્યમ દ્વારા લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સુરત ખાતે મહાપાલિકા સ્મેક સેન્ટરમાં આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, મેયરશ્રી જગદીશ પટેલ, ધારાસભ્યશ્રીઓ તથા મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સુરત મહાનગરપાલિકાના લોકાર્પિત થનાર વિકાસકામોમાં રૂા.૨૮.૦૫ કરોડના ખર્ચે સહારા દરવાજાથી કુંભારીયા(સારોલી) સુધીના બી.આર.ટી.એસ.કોરિડોરને કડોદરા સુધીનું વિસ્તૃતીકરણ, રાંદેર ઝોન વિસ્તારમાં રૂા.૧.૧૬ કરોડના ખર્ચે વરીયાવ-તાડવાડી ખાતે યુ.સી.ડી.સેન્ટર ખાતે હેલ્થ સેન્ટર, રૂા.૧૨ લાખના ખર્ચે ગઝેબો તથા ગાર્ડન, રૂા.૧૪ લાખના ખર્ચે અડાજણ ખાતે નિર્મિત થયેલા શાંતિકુંજ તથા કિલ્લોલ કુંજનું લોકાર્પણ થશે. રૂા.૫૧.૮૮ કરોડના ખર્ચે અઠા જોનમાં અણુવ્રત દ્વારા જંકશનથી મનાબા પાર્ક સુધીના કેનાલ રોડ પર સંપૂર્ણ પહોળાઈમાં સી.સી.રોડ, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, કેનાલ બ્યુટિફિકેશન, રૂા.૧૭.૨૧ કરોડના ખર્ચે વેસુ-ભરથાણા ખાતે ડ્રેનેજ સિસ્ટમ સુવિધાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉન ગામે રૂા.૨.૬૩ કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું કામ, રૂા.૧.૬૩ કરોડના ખર્ચે જહાંગીરાબાદ ખાતે મોઝેક ગાર્ડન, રૂા.૧.૩૯ કરોડના ખર્ચે બોટનિકલ ગાર્ડનમાં અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર અને ટેરેસ ગાર્ડન, લિંબાયતના પરવટ ગામમાં આવેલ જુની વોર્ડ ઓફિસની જગ્યામાં સ્માર્ટ આંગણવાડી, કિલ્લોલકુંજનું લોકાર્પણ થશે. સુડા દ્વારા કુંભારીયા પરવટગામ ખાતે રૂા.૯૭.૩૨ કરોડના ખર્ચે નિર્મિત થયેલા PMAY-MMGY અંતર્ગત ૧૨૦૦ આવાસોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા સંપન્ન થશે.

Advertisement