નિતિનભાઇ પટેલે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટરની મુલાકાત લીધી

કોરોનાગ્રસ્ત દર્દીઓને સરળ અને સત્વરે સારવાર મળી રહે તે માટે ૧૦૮ના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યુ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ

  • ‍કોરોનાની પ્રવર્તમાન સ્થિતી ધ્યાને લઇ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટરની મુલાકાત લીધી
  • ૧૦૮ સેન્ટર દ્વારા કાર્યરત તમામ સેવાઓનું વિહંગાવલોકન કરી તેની સમીક્ષા કરી.

અમદાવાદ, ૨૬ નવેમ્બર: રાજ્યના કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓને શ્રેષ્ઠ અને સધન સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ તમામ સ્વાસ્થ્ય સેવાઓનો સુચારૂ અને સ્તવરે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગ કરી શકાય તે માટે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં પરિણમવામાં આવ્યુ છે.

whatsapp banner 1

અમદાવાદના કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સના સેન્ટરની મુલાકાત વેળાએ નાયબ મુક્યમંત્રી શ્રીએ જણાવ્યુ કે અહીંથી સમગ્ર રાજ્યની ૧૦૮ સેવાનું સંચાલન કરવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિમાં આ સુવિધાનો શ્રેષ્ટ ઉપયોગ કરી શકાય તે માટે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ૧૦૮ માં સીધા સપર્ક કરીને હોસ્પિટલમાં દાખલ કરાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ શ્રી નિતિનભાઇ પટેલે ઉમેર્યુ હતુ.

અમદાવાદ શહેરમાં ૮૦ થી વધુ ૧૦૮ની એમ્બ્યુલન્સ કોરોનાગ્રસ્ત દર્દીઓને સધન સારવાર આપવા માટે કાર્યરત કરાવવામાં આવી છે. શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓ ૧૦૮ પર સીધો સંપર્ક કરીને પ્રાથમિક તપાસ કરાવી શકશે . વધુ તકલીફો જણાવી આવતા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અમદાવાદ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે દાખલ કરાવવામાં આવશે.

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને ફોન આવતા સત્વરે દર્દીના ઘરે પહોંચી પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીને ગંભીર લક્ષણ જણાઇ આવતા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની કોરોના ડેડીકેટેડ હોસ્પિટલની સાથે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન હસ્તકની ખાનગી હોસ્પિટલો તેમજ રાજ્ય સરકારની સિવિલ મેડિસીટીમાં આવેલ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીને સધન સારવાર અર્થે ખસેડવામાં આવે છે.

આ અગાઉ કોરોનાગ્રસ્ત દર્દીને ક્યા સારવાર લેવી , કંઇ હોસ્પિટલમાં સારવાર અર્થે પથારી ખાલી છે તેવા પ્રશ્નો મુંઝવતા હતા . જેના કારણે દર્દીનો અમૂલ્ય સમય વેડફાતો હતો જેથી દર્દી તરફથી ક્યા મેળવવી તે નક્કી કરવામાં વિલંબ થતો. જેની દરકાર કરીને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ૧૦૮ કંટ્રોલ સેન્ટરથી તમામ કામગીરીનું મોનટરીંગ અને સંચાલન કરવામાં આવી રહ્યુ છે તેમ શ્રી નિતિનભાઇ પટેલે ઉમેર્યુ હતુ.

કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે ૧૦૮માં ફોન કરે ત્યારે અહીંના તબીબ દ્વારા તેમની સ્વાસ્થ્ય પૃચ્છા કરવામાં આવે છે દર્દીની સ્થિતિ ગંભીર ન જણાઇ આવતા અને અન્ય કોઇ પ્રકારની કોમોર્બિડિટી ન જણાતા દર્દીને હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ કરાવવામાં આવે છે. ૧૦૮ સેન્ટરની જ અન્ય એક સેવા ૧૦૪ દ્વારા આવા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિનું સતત મોનટીરીંગ તેમજ દર્દીનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે તેમ શ્રી નિતિનભાઇ પટેલે કહ્યુ હતુ.

અમદાવાદના કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટર દ્વારા કાર્યરત સેવાઓ તેમજ તેની કાર્યપધ્ધતિનું નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ દ્વારા વિહંગાવલોકન કરવામાં આવ્યુ હતુ. ૧૦૮ ની સાથે ૧૦૪, ૧૧૦૦ , ૧૮૧ અભયમ, ૧૧૨ જેવી અન્ય સેવાઓની પણ નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આ મુલાકાતમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગના અધિકારી શ્રી મિલિંદ તોરવણે, અમદાવાદના ડેપ્યુટી મ્યુ. કમિશ્વનર શ્રી દિલીપ રાણા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.