Nitin Patel Sardar Patel 4

સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નીતીનભાઇ પટેલ

       સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ

રાજકોટમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલ

અહેવાલ: પારૂલ આડેસરા/રાજ લક્કડ,રાજકોટ

રાજકોટ, ૩૧ ઓક્ટોબર: રાજકોટ શહેર પોલીસ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા પરેડને બહુમાળી ભવન સ્થિત સરદાર સાહેબની પ્રતિમા સ્થળેથી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે પરેડને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.

કાર્યક્રમના શરૂઆતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરીને ‘રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા. આ પ્રતિમા પાસે આવેલ સરદાર સરોવરના મોડેલની તેમણે પ્રશંસા પણ કરી હતી. પોલીસ કમિશનરશ્રી દ્વારા શ્રી નીતીનભાઇ પટેલને સરદાર પટેલની પ્રતિકૃતિ અર્પણ કરવામાં હતી.

whatsapp banner 1

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે જણાવ્યુ કે, આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ. આજે આપણુ અખંડ ભારત વિકસિત, સમૃધ્ધ અને સલામત છે તેવુ સપનુ આઝાદીના સમયે સરદાર સાહેબે જોયુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. દેશને ગૌરવ થાય તેવી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ આપણે કરી સરદાર સાહેબના પ્રેરણારૂપ કામોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.

Nitin Patel Sardar Patel 4

આપણે સરદાર સાહેબની જન્મજયંતિને રન ફોર યુનિટીના માધ્યમથી ઉજવણી કરતા હતા. પરંતુ કોરોનાના સંક્રમણના લીધે આ વર્ષે તે શકય બની શકયુ નથી. રાજકોટના પોલીસ અને ટ્રાફિકના જવાનો પરેડના માધ્યમથી દેશભકિત, એકતા અને સલામતીનો જોમ અને જુસ્સો પૂરા પાડશે તે ગૌરવની વાત છે, તેમ શ્રી પટેલે ઉમેર્યુ હતું.

Nitin Patel Sardar Patel 3

પોલીસ જવાનોને ઉદેશીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, આપણે આપણી આંતરિક સલામતીને પણ વધુ મજબુત બનાવીને બહાદુરીપૂર્વક તેને નિભાવવી જોઇએ. આપણી આતંરરાષ્ટ્રીય સરહદો પણ સલામત રહે તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઇ રૈયાણી, કલેકટર રેમ્યા મોહન, સયુંકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, નાયબ પોલીસ કમિશનરશ્રી પ્રવિણકુમાર સહિત આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા