WhatsApp Image 2020 10 23 at 3.25.21 PM

અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ

નળકાંઠાના ઘરોમાં નળથી પાણી પહોચ્યું

  • ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે: શ્રીમતી સુરજબહેન,સરપંચ કરણગઢ ગામ
  • અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે
  • લોથલ પાસેના સરગવાડા સહિત ગણોળ, કબાણા જેવા છેવાડાના ગામો અનલોક દરમિયાન ‘શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ’ ધરાવતા ગામો બન્યા


અહેવાલ: ઉમંગ બારોટ

અમદાવાદ, ૨૩ ઓક્ટોબર: ‘ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે. મારા ગામની બહેનો જે તળાવે પાણી ભરવા જતી એમને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે. સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને નળવાળા કરી દીધા છે.

‘નળથી જળ અભિયાન’ આમ જ ચાલુ રહે ને નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળીયા સુધી પાણી પહોચી જાય એવી અમરી ઇચ્છા છે.’ કરણગઢ ગામના સરપંચ સુરજબેનના આ વાક્યો નળથી જળ અભિયાનની સાર્થકતાને પ્રતિબિંબિત કરે છે.

અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા આ એ છેવાડાના ગામો છે જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે તો સરગવાડા ભાલ પ્રદેશનું લોથલ બંદર પાસે આવેલુ ગામ છે. ગણોલ ધોળકા તાલુકાનું અને કલાણા સાણંદ તાલુકાનું ગામ છે. ગ્રામ પંચાયત, અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ પહોચ્યુ છે. ‘જલ જીવન મિશન’ અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ૧૦૦% ઘરોને નળથીજળ પહોચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે.

Panchayat office


આ સંદર્ભે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ના યુનિટ હેડ શ્રી આર.જે. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ૦૯ તાલુકા પૈકી બાવળામાં ૮૬.૬૨%, દસ્ક્રોઇમાં ૯૮.૬૮%, દેત્રોજમાં ૯૯.૧૯%, ધંધુકામાં ૯૬.૨૬%, ધોલેરામાં ૮૫.૫૨%, ધોળકામાં ૯૬.૫૯%, માંડલમાં ૯૯.૪૭%, સાણંદમાં ૯૨.૨૦% અને વિરમગામમાં ૮૯.૧૮% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે.

હાલ અમદાવાદ જિલ્લાના ૩૬૪ ગામો ૧૦૦% ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા ૧૨૦ ગામડામાંથી ૩૯ ગામોને ૧૦૦% નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ગ્રાંટની ફાળવણી ગત બુધવારે કરવામાં આવી છે. શ્રી બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે નવેમ્બર ૨૦૨૧ સુધીમાં અમદાવાદ જિલ્લો ૧૦૦% ઘરોમાં નળ જોડાણ ધરવતો બને તે મુજબનું આયોજન છે.

કરણગઢ ગામના રહેવાસી શ્રી મનજીભાઇ કહે છે કે ‘મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કુવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો’ એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાંટમાંથી એમ ૫.૩૨ લાખના ખર્ચે ગામના ૧૪૫ ઘરોને નળ કનેક્શન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ‘જલ જીવન મિશન’ નું લક્ષ્યાંક ૧૦૦% ઘરોને નળથી જળ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું છે. પરંતુ રાજ્ય સરકારે જે આગોતરું આયોજન કર્યું છે તેના પરિણામે બે વર્ષ વહેલું એટલે કે ૨૦૨૨માં જ ગુજરાત આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેશે. નિયમિત અને લાંબા ગાળા માટે દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવો તે ‘જલ જીવન મિશનનું’ લક્ષ્ય છે.

WhatsApp Image 2020 10 23 at 3.25.22 PM 1 edited 1

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પાણી પૂરવઠા વિભાગ અને ‘વાસ્મો’ની સંયુક્તની ભાગીદારીને કારણે અમદાવાદ જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને વિતરણનું વિકેન્દ્રિત માળખુ તૈયાર થયું છે. જેના સુખદ પરિણામે કરણગઢ જેવા નળકાંઠાના ગામોમાં ઘરના ફળીયા સુધી નળથી પાણી પહોચતું થયું છે.

loading…