6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી

વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

વિધાનસભા અધ્યક્ષશ્રીની પ્રેરક ઉપસ્થિતી

  • વિશ્વ આખામાં કોરોનાને કારણે વિકાસ સ્થગીત છે ત્યારે ગુજરાતે સમયબદ્ધ-સમયસર વિકાસ કામોનો નવો માર્ગ દેશ-દુનિયાને બતાવ્યો
  • ‘ગુજરાત ન ઝૂકા હૈ – ન રૂકા હૈ’નો ધ્યેય અપનાવી ‘‘જ્યાં માનવી ત્યાં સુવિધા’’ના મંત્રથી પ્રજાની આકાંક્ષા-અપેક્ષા મુજબના વિકાસ કામો કરીએ છીયે
  • ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં નગર વિકાસ કામો માટે નગરો-મહાનગરોને પૈસા મળતા જ નહિ
  • આજે નાણાંની તંગીને કારણે કોઇ વિકાસ કામ અટકવા દેતા નથી
  • નગરો-મહાનગરપાલિકાઓને વિકાસ કામ માટે કેપેસિટી બિલ્ડ અપ કરવાનું આહવાન
  • જેટલા વધુ વિકાસ કામ લાવશો તેટલા વધુ નાણાં સરકાર આપશે
  • ખૂલ્લામાં શૌચક્રિયા મુકત ગુજરાતની અગ્રેસરતા પછી હવે ૧૦૦ ટકા ઘરોને ‘નલ સે જલ’માં આવરી લઇ ઘરે-ઘરે ટેપ વોટરથી શુદ્ધ પાણી આપવામાં ગુજરાતને અગ્રેસર બનાવવું છે

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૦૮ સપ્ટેમ્બર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના આ કપરા કાળમાં સમગ્ર વિશ્વમાં વિકાસ સ્થગિત છે. ત્યારે ગુજરાતે આ વિકટ સમયમાં પણ રાજ્યમાં રૂ. ૯રપપ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હતના કામો કરીને વિકાસને અટકવા દીધો નથી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત ન ઝૂકયું છે ન રોકાયું છે. વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહિ, સમયબદ્ધ-સમયસર કામો ઉપાડીને પૂરાં કરવાનો વ્યૂહ અપનાવી જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી જે કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેને આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરમાં રૂ. ૪૪ કરોડના વિવિધ લોકાર્પણ અને રૂ. ર૭૯ કરોડના કાર્યારંભ-ખાતમૂર્હત મળી રૂ. ૩રર.૬૬ કરોડના વિકાસ કામોનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એટ વન કલીક પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી આ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યની ૪પ ટકા વસ્તી નગરો, મહાનગરોમાં વસે છે ત્યારે પ્રજાની આકાંક્ષા અપેક્ષા પૂર્ણ થાય સાથોસાથ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, લાઇટ જેવી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે આ સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સેવારત છે. તેમણે ઉમેર્યુ કે, વિકાસના કામોમાં વિવાદ નહિં સંવાદ અને લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગની સંકલ્પના સાથે નગર સુખાકારીના કામોને નવી ગતિ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભૂતકાળની કોંગ્રેસી સરકારોમાં વિકાસના કામો નાણાંના અભાવે થતાં જ નહિ. નગરપાલિકા-મહાપાલિકાને આવા કામો માટે ફૂટીકોડી પણ રાજ્ય સરકાર આપતી નહિ અને સ્થાનિક સત્તાતંત્રએ નાણાં સંસ્થાઓ, વર્લ્ડ બેન્ક વગેરે પાસેથી લોન લઇ કામો કરવા પડતા.‘‘આજે સ્થિતી સાવ જુદી છે. પૈસાની ચિંતા કર્યા વગર વિકાસ કામો થાય છે’’….એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકાઓને આહવાન કર્યુ કે પૈસાની ચિંતા કર્યા વિના વિકાસ કામો માટે કેપેસિટી બિલ્ડીંગ કરે. જેટલા વધુ વિકાસ કામો લાવશો તેટલા વધુ પૈસા આ સરકાર આપશે એમ તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.

VMC Khad muhurt CM Rupani 5

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણું લક્ષ્ય વિકાસ જ હોય અને વિકાસના કામો માટેની તત્પરતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર નિશ્ચિત લક્ષ્યપૂર્તિથી કાર્યરત છે તેમાં આવા વિકાસ કામો નવી દિશા આપશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે ખૂલ્લામાં શૌચક્રિયામુકત રાજ્ય તરીકે અગ્રેસરતા મેળવ્યા બાદ હવે પ્રધાનમંત્રીશ્રીના મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં પણ ૧૦૦ ટકા ઘરોને ટેપ વોટર શુદ્ધ પીવાલાયક પાણી પહોચાડવામાં પણ ગુજરાત લીડ લેશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-મહાનગરોને વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ સાથે વિશ્વકક્ષાની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા સ્માર્ટ સિટીઝ બનાવવાના રાજ્ય સરકારે અનેક અભિગમો ઉપાડયા છે તેમ પણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્યના ૪ શહેરોએ સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ટોપ-૧૦ માં સ્થાન મેળવીને સ્માર્ટ સિટીઝનું ગૌરવ વધાર્યુ છે. વડોદરા નગરને આ માટે તેમણે અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કોરોનામુકત ગુજરાત આવનારા દિવસોમાં કરવા સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, લોજિસ્ટીકસ સહિતના ક્ષેત્રોમાં એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરી ગુજરાતને સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ પણ વ્યકત કરી હતી.

VMC Khad muhurt CM Rupani 7

રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલે વડોદરાના વિકાસને આગળ વધારવા રાજ્ય સરકાર હંમેશા પીઠબળ આપે છે તે માટે ધન્યવાદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે નર્મદા નહેર નજીક આવેલા ટીંબી તળાવને ભરીને પૂર્વ વિસ્તાર માટે પાણી પુરવઠાનો વધુ એક સ્ત્રોત વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક હજાર એકરમાં પથરાયેલું પ્રતાપ સરોવર વડોદરા શહેર માટે જળ ભંડાર બની શકે એ શક્યતાને અનુલક્ષીને ચોમાસું પૂરું થાય કે તુરત જ આ તળાવમાંથી ઝાડી ઝાંખરા સહિતના અવરોધોની સફાઈ કરવાની કામગીરીનો પ્રારંભ કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવાનો વડોદરા મહાનગરપાલિકાને અનુરોધ કર્યો હતો.
નર્મદા વિકાસ મંત્રીએ એમ. એસ. યુનિવર્સિટી પાસે વિવિધ વિષયોમાં નિપુણતા ઉપલબ્ધ છે અને દેશભરમાંથી વિકાસ આયોજનોમાં તેની પરામર્શ સેવાઓનો લાભ લેવાય છે ત્યારે, વડોદરા મહાનગરપાલિકા વિકાસ આયોજનોમાં યુનિવર્સિટીની નિપુણતાનો વિનિયોગ કરે તેવો અનુરોધ કરવાની સાથે ગુણવત્તાસભર વિકાસ કામો દ્વારા લોક વિશ્વસનીયતા વધારવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે સાંસદ રંજનબહેન, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા, સીમાબેન મોહિલે, શૈલેષ મહેતા, નાયબ મેયર ડો.જીવરાજ ચૌહાણ, પાલિકા પદાધિકારીઓ અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતાં. મેયર ડૉ. જિગીશાબહેન શેઠે સ્વાગત પ્રવચનમાં વડોદરા મહાનગરના વર્તમાન વિકાસ કામો અને ભાવિ આયોજનોની રૂપરેખા આપી હતી. મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપે વડોદરા શહેર વતી મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આ વિકાસ કામોની ભેટ માટે આભાર માન્યો હતો.