રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત

  • રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત ઘર નિર્માણની રાજ્ય સરકારની નેમ: ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
  • કમળાપુર ખાતે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ઘરને ખુલ્લું મુકતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૧૬ ઓક્ટોબર: જસદણ તાલુકાના કમળાપુર ખાતે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ઘરને ખુલ્લું મુકતા ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દરેક ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામ પંચાયત ઘરની સુવિધા પુરી પાડવા કાર્યરત છે. ગ્રામ પંચાયતના  દ્વારેથી ગામના વિકાસની સરવાણી સતત વહેતી રહે તેવી શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની શોભા છે. અહીંથી ગામના આગેવાનો રાજ્ય સરકારની યોજનાઓ અને સવલતોનો લાભ ઘર-ઘર સુધી પહોંચાડે છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રજુ કરેલ ડિજિટલ સેવા સેતુનો લાભ આધુનિક ગ્રામ પંચાયતના નિર્માણ થકી ગ્રામજનોને મળી શકશે તેમ શ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ ‘‘નળ સે જળ’’ યોજનાનો લાભ પરા વિસ્તારો સહિત તમામ લોકોને મળી રહે તે માટે વાસ્મોના અધિકારીઓને સવલત પુરી પાડવા જણાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા હતાં. મૂળ કમળાપુરના વતની ભરતભાઈએ ગામના વિકાસની રૂપરેખા પાઠવી હતી. ગ્રામ પંચાયત ખાતે કમળાપુરના વિકાસાર્થે સૌ કોઈ સહિયારો પ્રયાસ કરે, તેમ તેઓએ ગ્રામજનોને જણાવ્યું હતું. આ તકે તેમણે કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આરોગ્યલક્ષી પગલાંઓની સરાહના કરી હતી અને લોકોને સાવચેતી રાખવા ખાસ અપીલ કરી હતી.

કમળાપુર ખાતે નિર્મિત પંચાયત ઘરમાં બે માળ છે, જેમાં બે ઓફિસ અને એક વિશાળ હોલ છે. કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ પંચાયત ઘરથી જનસુવિધામાં વધારો થશે તેમ ગામના સરપંચ શ્રી ધીરુભાઈ રામાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું.

આ પ્રંસગે અગ્રણીઓશ્રી ધીરુભાઈ રામાણી, ખોડાભાઈ ખસિયા, વલ્લભભાઈ રામાણી,  નીતાબેન મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સી.ડી. ભીમોરા, જસદણ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી એફ.બી.ડાંગર, તલાટી મંત્રીશ્રી આકાશગીરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

*******

Advt Banner Header
loading…
error: Content is protected !!