Sardar Dham Madhya Gujarat 1

મુખ્યમંત્રીશ્રી એ સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટ નો કરાવ્યો શુભારંભ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ 5 લાખ ચોરસ મીટર જમીન પર આકાર લેનારા સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટ નો કરાવ્યો શુભારંભ: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયાં…એકસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરાશે….

જમીન કપાતમાં રાહત આપી સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.50 કરોડનું યોગદાન આપ્યું એવો હિસાબ હું કરતો નથી…સરકાર સમાજ માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહે છે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી…

  • કોરોના કાળમાં રાજ્યની વિકાસ યાત્રા ચેતનવંતી રાખી રૂ.13000 કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી આગળ ધપાવ્યા છે. .
  • કોરોના ની રસી મળે ત્યાં સુધી સોશીયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ બચાવનો વિકલ્પ છે…
  • ગરબા ન યોજવાના સરકારના નિર્ણય ને ટેકો આપવા માટે રાજ્યની પ્રજાનો આભાર …

ગાંધીનગર, ૨૫ ઓક્ટોબર: સંવેદનશીલ રાજ્ય સરકાર એકમાત્ર વિકાસના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.. ગુજરાતના વિકાસ થી દેશનો વિકાસ એ જ આપણો મંત્ર છે…રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે સરકાર સમાજ માટે,શિક્ષણ માટે,આરોગ્ય માટે અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓ ની હંમેશા પડખે રહેશે અને પ્રોત્સાહિત કરશે.
મધ્ય ગુજરાત સરદાર ધામ માટે જમીનની 40 ટકા કપાત ને બદલે ફક્ત 10 ટકા કપાતની રાહત આપીને સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.50 કરોડનું યોગદાન આપ્યું એ તમારું ગણિત છે.હું આવા દાખલા માંડતો નથી.સરકારે કોઈ ઉપકાર કર્યો નથી.તમે સમાજ માટે,સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસ માટે કામ કરો છો ત્યારે તમને મદદ કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે એમ તેમણે ઉમેર્યું હતું.


રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં 5 લાખ ચોરસ મીટર જમીનમાં રૂ.100 કરોડના ખર્ચે સાકાર થનારા મિશન 2026 હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટ નો શુભારંભ કરાવ્યો હતો.સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ઓનલાઇન જોડાયાં હતા.
આ પ્રોજેક્ટમાં સામાજિક,શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનો નો સમાવેશ થાય છે.સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિશુલ્ક તાલીમ,શિક્ષણ માટે લોન ,વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટ નું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનો ને શિક્ષિત,દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ના હસ્તે સંસ્થા વતી કીમતી જમીનોનું સરદાર ધામ માટે દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ના નેતૃત્વ હેઠળ ગુજરાતે કોવિડ કટોકટીનો સફળ મુકાબલો કર્યો છે.તે સહિતની યશસ્વી સિદ્ધિઓ માટે સંસ્થા દ્વારા મુખ્યમંત્રીશ્રી નું ભાવસભર અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. કોવિડ કટોકટી અને લોક ડાઉન પછીનો આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ છે તેવા ઉલ્લેખ સાથે તેમણે આ કાર્યક્રમ કોવિડ નિયમો પાળી યોજવા માટે સંસ્થાને ધન્યવાદ આપ્યાં હતા.

સરદાર ધામ સરદાર સાહેબના જીવનમાં થી પ્રેરણા લઈ ,એક રાષ્ટ્ર – શ્રેષ્ઠ રાષ્ટ્રના સૂત્રને અનુસરીને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ઉમદા ધ્યેય સાથે કામ કરે છે તેવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સામાજિક પુનરુત્થાન થી રાષ્ટ્રીય પુનરુત્થાન,સમાજ ના કલ્યાણ,રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવું એ સહુની જવાબદારી છે. સરદાર ધામ સંસ્થા અંધ શ્રદ્ધા અને સામાજિક કુરિવાજો છોડવા,ખોટા ભપકા અને કૌટુંબિક પ્રસંગો માં મોટો ખર્ચ ટાળવો અને આ રકમ સમાજ માટે વાપરવી જેવા પંચ મંત્ર સાથે કામ કરે છે, એ ભાવના ને વધાવતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ,આજે ક્રાઇસિસ ઓફ કેરેક્ટર જોવા મળે છે,વિશ્વાસ ડગી જાય તેવા સમયે સમાજનો વિશ્વાસ જીતીને આ સંસ્થાએ આગવી વિશ્વસનીયતા ઊભી કરી છે.આ સંસ્થાના કામને સરદાર સાહેબની સાથે ઈશ્વર ના આશીર્વાદ મળ્યા છે .

સમાજ માટે,દેશ માટે કામ કરવું એ ઈશ્વરીય કામ છે,એમાં ક્યારેય નાણાં નો અભાવ પડતો નથી કે રૂકાવટ આવતી નથી.સરદાર ધામ ના કામમાં એનો દાખલો જોવા મળે છે .
કોરોના ના સંકટ કાળમાં પણ રાજ્ય સરકારે ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે અને રૂ.13000 કરોડના વિકાસ કામો ને ઓનલાઇન બહાલી આપી,શરૂ કરાવી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.કોરોના હારશે ગુજરાત જીતશે ના મંત્રને યાદ કરતાં તેમણે કહ્યું કે આજે રાજ્યમાં રિકવરી નું પ્રમાણ વધીને 90 ટકા થયું છે,દોઢ લાખ લોકો સાજા થયાં છે,મૃત્યુ નું પ્રમાણ ખૂબ ઘટાડી શકાયુ છે.નિયમ પાલન એ જ ઈલાજ ના મંત્રને ગુજરાતના લોકો અનુસરી રહ્યાં છે.નવરાત્રિમાં રાસ ગરબા ન યોજવાના નિર્ણય ને લોકોએ ટેકો આપ્યો છે.
કોરોના ની રસી ના મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઈલાજ છે એની તેમણે યાદ અપાવી હતી.

વિજયા દશમી નું પર્વ એ આસુરી શક્તિ પર દૈવી શક્તિ ના વિજયનું પર્વ છે એવા શબ્દો સાથે વિજયા દશમીની સહુને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી એ ગાંધી,સરદાર,મોદીના ગુજરાતમાં અધ્યાત્મિક ચેતના વધે અને માતૃ શક્તિના સતત આશીર્વાદ ગુજરાતને મળે એવી અભ્યર્થના વ્યક્ત કરવાની સાથે તેમણે મોદીજી એ કંડારેલી કેડી પર અને વિકાસની રાજનીતિ ના આધારે સંવેદનશીલ રાજ્ય સરકાર સતત રાજ્યને આગળ લઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા એ મિશન 2026 હેઠળ સરદાર ધામ સંસ્થા દ્વારા હાથ ધરાનાર સમાજ વિકાસના આયોજનો ની રૂપરેખા આપી હતી.અને જમીન કપાતના તેમજ એફ.એસ.આઇ.ના નિયમો માં રાહત દ્વારા સંસ્થાને પીઠબળ આપવા માટે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ,મેયર ડો.જિગીષા બહેન શેઠ,ધારાસભ્ય શૈલેષભાઈ,પદ્મશ્રી મથુરભાઈ સવાણી,રામજીભાઈ ઇટાલિયા,નટુભાઈ પટેલ,રમેશભાઈ પટેલ અને પારુલભાઇ કાકડિયા સહિત જમીન દાતાઓ,સંસ્થાના સી.ઇ.અો.એચ.એસ.પટેલ,સ્થાપક ટ્રસ્ટીઓ,મહિલા પદાધિકારીઓ અને સરદાર ધામ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

********

loading…