Manipur water supply pm Inograte 1

પ્રધાનમંત્રીએ મણિપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

આ પ્રોજેક્ટ સાથે લાખો લોકોને તેમના ઘરમાં પીવાનાં સ્વચ્છ પાણીની સુવિધા મળશે

શ્રેષ્ઠ જીવન માટે સરળ જીવનશૈલી એ આવશ્યક અનિવાર્યતા છે અને એ ગરીબો સહિત તમામ નાગરિકોનો અધિકાર છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મણિપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

Manipur water supply pm Inograte

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ સતત કોવિડ-19 સામે લડી રહ્યો છે, ત્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો ભારે વરસાદ અને પૂર એમ બે પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યાં છે. વરસાદ અને પૂરને કારણે આ રાજ્યોમાં જાનહાનિ થઈ છે અને અનેક લોકો બેઘર થયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મણિપુરની સરકારે લોકડાઉન દરમિયાન જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી હતી અને પ્રવસીઓને પરત ફરવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, મણિપુરમાં આશરે 25 લાખ ગરીબોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નિઃશુલ્ક અનાજ મેળવ્યું છે. એ જ રીતે મણિપુરમાં ઉજ્જવલા યોજના અંતર્ગત 1.5 લાખથી વધારે મહિલાઓને નિઃશુલ્ક ગેસ સીલિન્ડરની સુવિધા આપવામાં આવી છે.

રૂ. 3,000 કરોડના ખર્ચે બનેલા પાણી પુરવઠા પ્રોજેક્ટનો સંદર્ભ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યની પાણીની સમસ્યામાં ઘટાડો થશે અને રાજ્યની મહિલાઓને વિશેષપણે મોટી રાહત મળશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, બૃહદ્ ઇમ્ફાલ ઉપરાંત પ્રોજેક્ટથી રાજ્યમાં 25 નાનાં નગરો અને 1700 ગામડાઓને લાભ થશે. પ્રોજેક્ટ આગામી બે દાયકાની જરૂરિયાતોને ધ્યાનમા રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Manipur water supply 2

તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાથે લાખો લોકોને તેમના ઘરે પીવાનું પાણી મળશે અને હજારો લોકોને રોજગારી પણ મળશે.

પ્રધાનમંત્રીએ ગત વર્ષે દેશમાં 15 કરોડથી વધારે કુટુંબોને પાઇપ મારફતે પાણી પ્રદાન કરવાના લક્ષ્યાંક સાથે શરૂ થયેલા જળ જીવન અભિયાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યારે દેશમાં દરરોજ આશરે 1 લાખ પાણીનાં કનેક્શન સ્થાપિત થઈ રહ્યાં છે અને આ પ્રક્રિયામાં લોકો સહભાગી થયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત જીવન માટે સરળ જીવનશૈલી એ આવશ્યક અનિવાર્યતા છે અને તે ગરીબો સહિત તમામ નાગરિકોનો અધિકાર છે.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 6 વર્ષમાં દરેક સ્તરે, દરેક ક્ષેત્રમાં જીવનને વધારે સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવ્યાં છે, ખાસ કરીને ગરીબોનું જીવન વધારે સરળ બનાવવા. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આજે મણિપુર સહિત આખું ભારતમાં ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, એલપીજી ગેસ ગરીબોના ઘર સુધી પહોંચી ગયો છે, દરેક ગામ સારાં માર્ગોથી જોડાયેલું છે અને બેઘર લોકોને પાકાં ઘરો આપવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક ઘરને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવા યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સુંદર જીવનનો સીધો સંબંધ જોડાણ સાથે છે. તેમણે કહ્યું હતું કે, સુરક્ષિત અને સુનિશ્ચિત આત્મનિર્ભર ભારત માટે પૂર્વોત્તર ભારતના રાજ્યોનું જોડાણ આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઇન્ડિયા એક્ટ ઇસ્ટ પોલિસીને વેગ આપશે અને આ દેશના પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્ર માટે પ્રવેશદ્વાર પણ પ્રદાન કરશે.

PM Manipur water supply

તેમણે કહ્યું હતું કે, માર્ગો, રાજમાર્ગો, હવાઈ માર્ગો, જળમાર્ગો અને ઇન્ટરવેટ-માર્ગો (આઇવેઝ) તેમજ પાઇપલાઇનોની સાથે પૂર્વોત્તર ભારતમાં આધુનિક માળખાગત સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લાં 6 વર્ષમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ સંપૂર્ણ પૂર્વોત્તર ભારતમાં માળખાગત સુવિધાના વિકાસમાં થયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વોત્તરના રાજ્યોની રાજધાનીઓને ચાર રાજધાનીઓ સાથે જોડવા, જિલ્લા હેડક્વાર્ટર્સને ટૂ લેન રોડ સાથે અને ગામડાઓને તમામ સિઝનમાં માર્ગો સાથે જોડવા માટેના પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે, આ હાંસલ કરવા આશરે 3000 કિલોમીટરના માર્ગોનું નિર્માણ ચાલી રહ્યું છે અને વધુ 60000 કિલોમીટરના માર્ગોનું નિર્માણ કરવા વિવિધ પ્રોજેક્ટનો અમલ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, પૂર્વોત્તર રાજ્યોમાં રેલવે જોડાણના ક્ષેત્રમાં મોટો સુધારો થયો છે, જેમાં નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવાના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અને હાલના રેલવે નેટવર્કને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. એ જ રીતે પૂર્વોત્તર ભારતના દરેક રાજ્યની રાજધાનીઓને જોડવા માટે કામ છેલ્લાં 2 વર્ષથી ઝડપથી ચાલી રહ્યું છે.

રોડ અને રેલવે ઉપરાંત પૂર્વોત્તરનું હાવઈ જોડાણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે પૂર્વોત્તર ભારતમાં આશરે 13 એરપોર્ટ કાર્યરત છે. પૂર્વોત્તરમાં હાલના એરપોર્ટને આધુનિક બનાવવા 3 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં ઇમ્ફાલ એરપોર્ટ સામેલ છે.

પ્રધાનમંત્રીએ 20થી વધારે રાષ્ટ્રીય જળમાર્ગોનો સંદર્ભ આપ્યો હતો, જેમાં એક જળમાર્ગ પૂર્વોત્તર ભારતમાં છે, જે સતત જોડાણ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વોત્તર ભારત એ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પ્રવાસનની પ્રચૂર સંભવિતતા છે, જે હજુ પણ વણખેડાયેલી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વોત્તર ભારત દેશનું વિકાસ એન્જિન બનવું જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે પૂર્વોત્તરના યુવાનો અને લોકો વિકાસ અને પ્રગતિ ઝંખે છે તથા હિંસાનો માર્ગ ત્યાગી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, મણિપુરમાં બ્લોકેડ કે ચક્કાજામ ઇતિહાસના પાનાઓમાં સમાઈ ગયા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આસામ, ત્રિપુરા અને મિઝોરમમાં લોકો હવે હિંસાનો માર્ગ છોડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, બ્રુ-રીઆંગ શરણાર્થીઓ ગુણવત્તાયુક્ત જીવન તરફ અગ્રેસર છે.

પૂર્વોત્તર ભારતના વાંસ ઉદ્યોગની સંભવિતતા અને આર્ગેનિક ઉત્પાદનો વિકસાવવામાં એની ક્ષમતાનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મૂલ્ય સંવર્ધન માટે ક્લસ્ટર્સ વિકસાવવામાં આવે છે અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોનું માર્કેટિંગ થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, એગ્રો સ્ટાર્ટ-અપ્સ અને અન્ય ઉદ્યોગોને આ ક્લસ્ટર્સથી લાભ થશે. તેમણે કહ્યું હતું કે, પૂર્વોત્તર રાજ્યો સ્થાનિક ઉત્પાદન સાથે ભારતની વાંસની આયાતનું સ્થાન લેવાની સંભવિતતા ધરાવે છે. દેશમાં અગરબત્તી માટેની એટલી ઊંચી માગ છે કે, આપણે હજુ પણ અબજો રૂપિયાની અગરબત્તીઓ આયાત કરવી પડે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય વાંસ અભિયાન અંતર્ગત વાંસના ખેડૂતો, હસ્તકળા સાથે સંકળાયેલા કારીગરો અને અન્ય સુવિધાઓ માટે સેંકડો કરોડો રૂપિયાનું રોકાણ થયું છે. આનાથી પૂર્વોત્તર રાજ્યની યુવા પેઢીને, અહીંના સ્ટાર્ટઅપ્સને લાભ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ઘણી સંસ્થાઓ પૂર્વોત્તર ભારતમાં આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ-અપ્સ અને અન્ય તાલીમ આપવા માટે નિર્માણાધિન છે. સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ શરૂ થવાની સાથે મણિપુર દેશની રમતગમતની પ્રતિભાઓનું મોટું કેન્દ્ર બની જશે.