Atmanirbhar thumbnail

આત્મનિર્ભર સહાયની લોન માંથી જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશ : સુરેશભાઈ ગોહેલ

આત્મનિર્ભર સહાયની લોન માંથી પ્લમ્બીંગ કામના જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશલાભાર્થી:સુરેશભાઈ ગોહેલ

આણંદ, જિલ્લાના રાજોડપુરા ગામમાં રહેતા પ્લમ્બીંગનું કામ કરતા સુરેશભાઈને મળી રૂા. ૧ લાખની આત્મનિર્ભર સહાયઆત્મનિર્ભર યોજનાએ કેટલાકનું મનોબળ તો કેટલાકનો આત્મવિશ્વાસ મજબૂત કરીઅગાઉની જેવી સ્થિતિ હતી તેનાથી પણ વધુ ઝડપે આગળ વધવા માટેનો જુસ્સો પુરો પાડ્યો છે

આણંદ- ૨૩જુલાઈ ૨૦૨૦ આણંદના રાજોડપુરાના સુરેશભાઈ ગોહેલ છેલ્લા ૧૫ વર્ષથી પ્લમ્બીંગનું નાનું મોટું કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ કોરોના વાઈરસને કારણે તેમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને તેમનું પ્લમ્બીંગનું કામ પણ બંધ થઈ ગયું હતું જેના કારણે તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું.   પણ કહેવાય છે ને કે જ્યારે તમે ડૂબતા હોવ ત્યારે એક તણખલું પણ મળી જાય તો તમારું જીવન તરી જાય છે. આવી જ કંઈક વાત છે પ્લમ્બીંગનું કામ કરતાં સુરેશભાઈની કોરોના વાઈરસની ઝપેટમાં વિશ્વના દેશો આવી રહ્યા હતા ત્યારે તેમાંથી ભારત અને ગુજરાત પણ બચી શક્યું ન હતું જેના કારણે દિવસેને દિવસે કોરોનાના કેસો આવી રહ્યા હતા ત્યારે કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જનહિતમાં નિર્ણય લઈને લોકડાઉનને અમલી બનાવ્યું હતું જેના કારણે નાના ધંધાદારીઓ, મજૂરો અને રોજે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા પરિવારોની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને આવા પરિવારો બીજા પાસે સહાય માંગવામાં પણ સંકોચ અનુભવતા હોય છે. ત્યારે આવા પરિવારોને કોઈની પાસે હાથ લંબાવો ન પડે તે માટે તેમની સતત ચિંતા કરીને મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નાના કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ જ સંવેદનશીલ નિર્ણય લઈને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી. જેનો લાભ સુરેશભાઈને પણ મળ્યો છે.

આત્મનિર્ભર લોન મળતા સુરેશભાઈ કહે છે કે, સાહેબ લોકડાઉનનો કાળ તો અમારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો હતો પરંતુ લોકડાઉનના દિવસો જેમ તેમ કરીને પુરા થયા છે.  પરંતુ મારા માટે ખુશીની વાત તો એ છે કે આપણા મુખ્યમંત્રીએ લોકડાઉનના સમયમાં અમારા જેવા નાના ધંધાદારીઓ માટે પણ વિચાર્યું અને આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરાત કરી અને તેને અમલી પણ બનાવી. જે બાદ આત્મનિર્ભર યોજનાના ફોર્મના વિતરણની શરૂઆત થઈ તે સમયે મેં પણ સહાય મેળવવા અરજી કરી અને જરૂરી પુરાવાઓ પણ સાથે જોડ્યા હતા જેના કારણે મારી આત્મનિર્ભર સહાય લોન બેંક દ્વારા મંજૂર કરવામાં આવી અને મને તેનો લાભ મળતાં આજે હું ખુશ છું.

સુરેશભાઈ મુખ્ય મંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહે છે કે, વાર્ષિક માત્ર ૨ ટકાના દરે લોન મળી છે અને પહેલા ૬ મહિના દરમિયાન કોઈપણ પ્રકારના નાણા કે હપ્તો અમારે ચુકવવાનો નથી જેથી મને ખૂબ જ રાહત મળી છે. 

સુરેશભાઈ જણાવે છે કે, મારે પ્લંબિગના કામમાં કેટલાક નાના મોટા મશીનો લાવવાના હતા જેના કારણે મારા કામમાં સરળતા રહે પરંતુ લોકડાઉનના કારણે ધંધા રોજગાર ન રહેતા જે પૈસા મેં મશીન લાવવા અને અન્ય સામગ્રી લાવવા માટે ભેગા કર્યા હતા તેમાંથી થોડા ઘણા ખર્ચ થઈ ગયા પરંતુ હવે મને આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત લોન મળતા હું તે પૈસાથી જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવી શકીશ જેના કારણે ખૂબ જ ઓછા સમયમાં વધુ ઝડપથી મારી કામગીરી કરી શકીસ. 

આમ, આત્મનિર્ભર યોજનાએ કેટલાકનું મનોબળ તો કેટલાકનો આત્મવિશ્વાસ મજબૂત કરી તેઓને અગાઉની જેવી સ્થિતિ હતી તેનાથી પણ વધુ ઝડપે આગળ વધવા માટે જુસ્સો પુરો પાડ્યો છે.

સંકલન:જિલ્‍લા માહિતી કચેરી, આણંદ

—————————————