સિરમ ઇન્સિટટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું- ફક્ત પ્રથમ ડોઝ જ 200 રુપિયામાં મળશે, પછી આટલી કિંમતમાં વેચાશે કોવિશીલ્ડ- વાંચો સંપૂર્ણ અહેવાલ

949384 sii ceo

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 14 શહેર સુધી પહોંચી ગયો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, સરકારના વિશેષ આગ્રહ પર અમે પ્રથમ 10 કરોડ ડોઝની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ (જીએસટી અલગ) રાખી છે. તેની પાછળનું કારણ એ છે કે, સરકાર સૌપ્રથમ ગરીબ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન લગાવવાની છે. પૂનાવાલાએ કહ્યું કે, પછી અમે ખાનગી કંપનીઓને 1 હજાર રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે વેક્સિન વેચીશું. સિરમ ઈન્સ્ટિટ્યૂટ દર મહિને 7-8 કરોડ ડોઝ તૈયાર કરે છે.

અદાર પૂનાવાલાએ કહ્યું કે,‘અમારે દેશ માટે કંઈક કરવાનું છે તેથી અમે નફા અંગે જોઈ રહ્યાં નથી. ઘણા દેશના પીએમ ઓફિસથી સિરમ ઈન્સ્ટિટ્યૂટને વેક્સિનની માંગ અંગે પત્ર લખવામા આવી રહ્યાં છે. અમે તમામને ખુશ જોવા માગીએ છીએ. અમે દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં પણ સપ્લાઈ કરવાના પ્રયાસમાં છીએ. તેથી અમે દરેક બાજુ થોડું ઘણું કામ કરી રહ્યાં છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોજિસ્ટિક માટે યોજના બનાવી લીધી છે અને આ સાથે અમારી પાસે ટ્રક, વેન અને કોલ્ડ સ્ટોરેજ મામલે પ્રાઈવેટ વાહનો પણ છે.’

Whatsapp Join Banner Guj

અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, સરકારની અપીલ પર 10 કરોડ ડોઝ 200 રૂપિયા પ્રતિ ડોઝની વિશેષ કિંમતે આપવામા આવી રહી છે. જોકે જીએસટી બાદ તેની કિંમત 210 રૂપિયા થઈ જશે. કંપનીએ પ્રથમ 10 કરોડ ડોઝ માટે નફો ના લેવાનો નિર્ણય લીધો છે. 10 કરોડ ડોઝ બાદ સરકારે વેક્સિનના ડોઝ માટે 200 રૂપિયાથી વધુ કિંમત ચૂકવવી પડશે.

અદાર પૂનાવાલાએ વેક્સિનની માર્કેટ વેલ્યૂ પણ જણાવી દીધી છે. તેમણે જણાવ્યું કે,‘અમે માર્કેટમાં 1000 રૂપિયામાં વેક્સિનનો એક ડોઝ વેચીશું. સરકારની મંજૂરી મળ્યા બાદ અમે તેને માર્કેટમાં, કૉર્પોરેટ્સ અથવા કેમિસ્ટની દુકાનમાં વેચીશું. કંપની ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં 5-6 કરોડ ડોઝ સરકારને આપશે. સરકારની મંજૂરી પહેલા વેક્સિન માર્કેટમાં નહીં આવે.’

Whatsapp Join Banner Guj

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અને ICMRના ડિરેક્ટરે કોરોના વાઈરસની વેક્સિનના નિર્માણ અને વિતરણ અંગે મંગળવારે સંસદની એક કમિટી સમક્ષ માહિતી આપી હતી અને સભ્યોના સવાલના જવાબ આપ્યા હતા. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ આ કમિટીના અધ્યક્ષ છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે દેશમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદીએ વેક્સિનેશનના આ કાર્યક્રમને વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ ગણાવ્યો છે. આ અભિયાન હેઠળ 3 કરોડ જેટલા સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપવા માટે પ્રાથમિકતા અપાશે.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાઈરસ વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો પ્રારંભ કરતા 16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામા આવશે. 4 દિવસ અગાઉ ‘કોવિશીલ્ડ’ વેક્સિનના ડોઝનો પ્રથમ જથ્થો પુણેથી દિલ્હી અને અન્ય શહેર પહોંચ્યો હતો. સેન્ટ્રલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, 4 એરલાઈન્સ કંપનીઓના વિમાન થકી પુણેથી દેશના 14 શહેરમાં કોરોના વેક્સિનના 56.5 લાખ ડોઝ પહોંચાડવા 9 ફ્લાઈટ્સ રવાના થઈ હતી.

આ પણ વાંચો…
ચીનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, તો બીજી બાજુ મલેશિયામાં કટોકટી જાહેર કરી..!